સુરત-

દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આવા વ્યાજખોરો પર સંકજો કસવા કડક કાર્યવાહી કરી રહી છે. છતાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક યુવાને વ્યાજખોરના આતંક અને ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આપઘાત પહેલા કેતન સોપારીવાળા નામના વેપારીએ 6 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘટનાની વિગત મુજબ, સુરતના અડાજણ ખાતે રહેતા અને ચોકબજાર ખાતામાં કાપડની લેવેચ સાથે બાયો ડીઝલનો પંપ ચલાવતા કેતન સોપારીવાળા નામના યુવાને થોડા સમય પહેલા વેપાર માટે કેટલાક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, વ્યાજખોરોની કડક ઊઘરાણી સાથે મારી નાખવાની ધમકીને લઇને ત્રાસી ગયેલા યુવાન ઘરથી છેલ્લા 10 દિવસ પહેલાં ગુમ થયા બાદ આજે સુરતના છેવાડે આવેલ હજીરા ખાતે તેની લાશ મળી આવી હતી. જોકે આ યુવાને આપઘાત પહેલાં વ્યાજખોર જે ત્રાસ આપતા હતા તેમના નામ સુસાઇડ નોટમાં લખ્યા હતા.


મૃતક વેપારીએ પૈસા સમય મર્યાદામાં ચૂકવી પણ દીધા હતા. જો કે 3.50 લાખનું વ્યાજ બાકી હોવાનું કહી વ્યાજખોરો તેમને સતત હેરાન પરેશાન કરવા સાથે માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તારીખ 8 ઑક્ટોબરના રોજ વ્યાજખોર મનહરનો ભત્રીજો તેના મળતિયાયા લઈને આવીને કેતન ભાઈને ધમકાવી ગયો હતો જેને લઈનેતે પોતાની ઓફિસથી નીકળી ગયા બાદ ગુમ થઈ ગયા હતા. જોકે આ મામલે પરિવાર દ્વારા ચોકબજાર પોલીસમાં તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 

જો કે 10 દિવસ બાદ ગુમ થયેલા કેતન ભાઈની છેવાડે આવેલ હજીરા ખાતેથી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કેતન ભાઈની લાશ ડીકંપોઝ હાલતમાં મળી આવી હતી, તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમને રૂપિયા માટે વ્યાજખોર હેરાન કરતા હતા તેમનું નામ મનહર ઘીવાલા, કૈલાસ બેન ઘીવાલા, વિપુલ ઘીવાલા મિહિર વિરાણી, આશિષ તમાકુવાલા સંજય ભાઈના નામનો ઉલ્લેખ કર્યો હતો. હાલ આ મામલે પોલીસે સુસાઇડટ નોટ કબજે કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.