વડોદરા : કોરોના મહામારીની દહેશત વચ્ચે પ્રકાશનું પર્વ દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. દિવાળીને હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે વિવિધ ઘર સજાવટથી માંડી અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. કોરોનાને કારણે ઠપ થઈ ગયેલા બજારોમાં ખરીદી નીકળતાં વેપારીઓ ખુશખુશાલ જાેવા મળ્યા હતા. પરંતુ કોરોનાને લઈને નોકરી-ધંધા પર માઠી અસર પહોંચી હોવાથી દર વર્ષની જેમ દિવાળીની ખરીદીનો ઝગમગાટ જાેવા મળતો નથી. 

કોરોનાની દહેશત વચ્ચે લોકોમાં દિવાળી પર્વ અને નવા વર્ષની ઉજવણી માટે અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. જાે કે, કોરોના મહામારીના કારણે નોકરી-ધંધા પર માઠી અસર પડી છે. પરંતુ દિવાળી પર્વને લઈને લોકો ઘરની સુશોભિત, કપડાં, બૂટ-ચપ્પલ, ઈલેકટ્રોનિક સહિત અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

શહેરના મુખ્ય બજાર ગણાતા મંગળબજાર, નવાબજાર, એમ.જી.રોડ ઉપર સવારથી જ લોકોની ભીડ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે જાેવા મળી રહી છે. વડોદરા શહેર સહિત આસપાસના ગ્રામ્યના લોકો પણ ખરીદી માટે ઉમટતાં બજારો કિડિયારાની જેમ ઊભરાઈ રહ્યા છે. દિવાળીની ખરીદી માટે બજારોમાં ઉમેટલી ભીડને જાેતાં કોરોનાની મહામારી વિસરાઈ ગઈ છે. ક્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાળ એવું દેખાતું ન હતું. તંત્ર દ્વારા કોરોના મહામારી સંદર્ભે તકેદારી રાખવાના હોર્ડિંગ, બેનરો લગાવાઈ રહ્યા છે પરંતુ લોકો કોરોનાના ડર વિના ખરીદી કરી રહ્યા છે.

દુકાનો, પથારાવાળાઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી રહ્યા છે. બજારોમાં દિવાળીની ભીડના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. જાે કે, છેલ્લા પાંચ-છ મહિના બાદ ૧૦ દિવસથી બજારમાં ઘરાકી નીકળતાં વેપારીઆએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ દર વર્ષે દિવાળી પર્વે જે ઘરાકી હોય છે તેટલી ઘરાકી હજુ નથી તેમ પણ વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળી પર્વે પ૦ ટકા જેટલો ધંધો થશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.