વલસાડ, તા.૧ 

વલસાડ તાલુકાનું છેવાડાનું ગામ કલવાડા કે જ્યાં ચાલીસેક વર્ષથી દેના બેન્ક કાર્યરત છે. બેંક ઓફ બરોડામાં દેના બેન્ક અને વિજયા બેંક નું દેશકક્ષાએ વિલીનીકરણ થતાં ગ્રામ્ય કક્ષાએ પણ શાખાઓનું વિલીનીકરણ થઈ રહ્યું છે, જેમાં કઈ શાખા કેટલી ઉપયોગી અને જરૂરી છે તેને ધ્યાનમાં લીધા વિના જ વહીવટી તંત્ર પોતાના પગ પર કુહાડો મારે તેવો ઘાટ સર્જાયો છે.

જૂની જાણીતી દેના બેન્ક કે જેમાં કલવાડા કોચવાડા ઠક્કરવાડા કાંજણ હરિ/રણછોડ પીઠા પહાડ-ડુગર ફ. સેગવા અટગામ ફણસવાડા મૂળી જેવા અનેક ગામોના ખાતા ધારકોની ભારે અવરજવર લેણદેણ થાય છે. રૂપિયા ૫૫ કરોડની અનામત છે ૭.૫ કરોડનું ધિરાણ છે સાત હજારથી વધુ ખાતાધારકો છે બચત ખાતે ૧૬ કરોડ છે અને ફિક્સ ડિપોઝિટ ૪૫ કરોડની છે જ્યારે ૨૦ કરોડ ૮૦ જેટલા એન.આર.આઈ લોકોના છે. કલવાડા વિસ્તારના ખેડૂતો, ઉદ્યોગપતિઓ વ્યાપારી ધંધાદારીઓ માટે આ બેંક ખૂબ જ ઉપયોગી છે. બેંક ઓફ બરોડામાં આ શાખા ભેળવી દઈ કલવાડાની શાખાને સંપૂર્ણ બંધ કરી ત્યાંથી ત્રણ કિલોમીટર વધુ છેવાડે પીઠા ગામની બેંક ઓફ બરોડામાં ભેળવી દઇ ૭૦૦૦ ખાતા ધારકોએ કારભાર માટે પીઠા સુધી સાતઆઠ કિલોમીટર લાંબા થવું પડશે.કલવાડાના સરપંચ વૈશાલીબેન પટેલે ડેપ્યુટી જનરલ મેનેજર વલસાડને તથા ધારાસભ્ય અરવિંદ છોટુભાઈ પટેલ તથા કલેકટરને લેખિત રૂબરૂ રજૂઆત કરાઇ હતી.