અમરેલી,અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.૧૦ લાખની ખંડણીની માગણી કરાઈ હતી. આની સાથે જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી આપવામાં હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. જ્યારે આ ઓડિયો-ક્લિપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેંક્યો હતો અને આરોપીએ ચેલેન્જ ફેંકી હતી. ત્યારબાદ ફરિયાદી હિતેશભાઈ દ્વારા સિટી પોલીસમાં પોલીસ ફરિયાદ આપતાં અમરેલી પોલીસની ટીમોએ અલગ અલગ દોડી તપાસ હાથ ધરી હતી. મોડી રાતે આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલસીબી દ્વારા પકડી પડાયો હતો.ખંડણી માટે ફોન કરનાર અને એસપી નિરલિપ્ત રાયને ખુલ્લો પડકાર ફેંકનાર છત્રપાલ વાળા મોડી રાતે અમરેલી એલસીબીના હાથે પકડાયો છે. ત્યારબાદ મોડી રાતે આરોપીને અમરેલી એલસીબી ખાતે લઈ આવ્યો હતો અને પૂછપરછ હાથ ધરાઇ હતી. બપોર બાદ પોલીસ માહિતી જાહેર કરશે. અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેશ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી, અન્યથા પેટ્રોલ પંપના માલિક પર ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.છત્રપાલ વાળા અને પેટ્રોલ પંપના માલિક હિતેશભાઈ વચ્ચેની વાતચીત વાઈરલ થયેલી સાડાત્રણ મિનિટની ઓડિયો-ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલ પંપના માલિકે ના પાડતાં ત્રણ દિવસમાં ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી.