સુરત-

કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા બે મહિના જેટલો સમય લોકડાઉન આપવામાં આવ્યુ હતું. લોકડાઉન બાદ હવે રાજ્ય સરકારે અનલોકમાં ધંધા-ઉદ્યોગ ખોલવાની છૂટ આપી છે પરંતુ, હજુ પણ લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનલોકમાં પણ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે શ્રમિકો હોય તો તે સુરતમાં છે અને કોરોનાની મહામારી વચ્ચે આર્થિક રીતે શ્રમિકોની કમર તૂટી ગઈ છે. જેના કારણે હવે લોકો તેમને આજીવન બચાવેલી PFની રકમ ઉપાડી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, સુરત રેન્જ EPFO દ્વારા 25,200 દાવાની પતાવટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને PF ધારકોના બાળકોને 48.35 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સુરત રેન્જમાં સુરત, તાપી, નવસારી અને વલસાડમાં આવેલો EPFOની કચેરીએથી 25,200 દાવાની પતાવટ કોવિડ 19ની મહામારી વચ્ચે કરવામાં આવી છે. આ તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાના કારણે PF ધારકોને સૌથી મોટી રાહત મળી છે. PF ધારકો છેલ્લા છ મહિનામાં 48.35 કરોડ રૂપિયા કોવિડ ક્લેમ કરીને ઉપાડી ચૂક્યા છે. 

મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને લોકોને પડતી મુશ્કેલીઓ વચ્ચે સરકારે લોકોને PF ખાતામાંથી પૈસા ઉપાડવાની પરવાનગી આપી હતી અને ત્યારબાદ લોકો દ્વારા PF ઉપાડવા માટે EPFO એપના માધ્યમથી ઘણી અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં કોવિડ-19 સિવાયના અન્ય કારણોસર કરવામાં આવેલા 87,600 દાવાનો નિકાલ કરવામાં આવ્યો છે. 

આ તમામ દાવાઓ થકી PF ધારકોને 310 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, લોકોને મુશ્કેલીને ધ્યાનમાં લઈને PF કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 72 કલાકના સમયમાં લોકોને ક્લેમની રકમ આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. તો ઘણા લોકોના પગારમાં કાપ મૂકાયો છે. તો કેટલાક લોકોને નોકરીમાંથી રજા આપી દેવામાં આવી છે. તેના કારણે જ લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઈને PF ઉપાડી રહ્યા છે.