વડોદરા : ભારે ચકચારી બનેલા શેખબાબુ હત્યા કાંડમા આરોપી એવા તત્કાલીન ફતેગંજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.ગોહિલે અત્રેની સેસન્સ કોર્ટમાં મુકેલી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. પોલીસ મથકની અંદર પુછપરછ માટે બોલાવાયેલા શેખબાબુ ઉપર થર્ડ ડીગ્રી અજમાવતા લોહી લુહાણ થયા હતા અને ખુરશી ઉપર જ ઢળી પડતાં મોત નિપજ્યું હતું. મહત્વની વાતતો એ છે કે, ત્યાર બાદ મૃતદેહને સગેવગે કરી દેવાયો હતો. અને પુરાવાનો નાશ કરાયો હતો. આ મામલામાં ત્રણ મહિના સુધી ભાગેડુ રહ્યા બાદ પી.આઇ, પી.એસ.આઇ અને ૪ પો.કર્મી હાજર થયા હતાં.

અત્રેની અદાલતમાં પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલે પોતે નવ માસથી જ્યુડીશીયલ કસ્ટડીમાં છે અને ચાર્જસિટ પણ મુકાઇ ગઇ હોવાથી પોતાના વકીલ મારફતે રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેની સામે સરકારી વકીલે દલીલો કરી હતી. શેખબાબુ ગુમ થયા બાદ પુત્રએ નોંધાયેલી મીસીંગ ફરિયાદ છતાં કોઇ કાર્યવાહી નહીં થતા પુત્ર સલીમે હાઇકોર્ટમાં હેબીપર્સ કોપર્સ દાખલ કરી હતી. મામલાની ગંભીરતા જાેતા હાઇકોર્ટ આકરૂ વલણ દાખવી વડોદરા પોલીસને શેખબાબુને ગમે તે સંજાેગોમાં શોધવા અથવા ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે પ્રથમ સઅપરાધ હત્યાની કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધાયો હતો પરંતુ વડી અદાલતે પુનઃ હત્યાની કલમ ૩૦૨ દાખલ કરવાનો હુકમ કરતાં આઇ.પી.સી. ૩૦૨, ૧૯૩, ૧૯૬, ૨૦૧, ૨૦૨, ૨૦૩, ૨૦૪, ૩૩૦, ૩૩૨, ૪૬૫, ૪૬૬, ૪૭૧ અને ૧૪૪ મુજબ ગુનો નાધ્યો હતો.

દરમિયાન પી.આઇ , પી.એસ.આઇ સહિત ચાર પો.કર્મીઓ ભાગી જતા ત્રણ મહિના સુધી વડોદરા પોલીસે નહીં પકડતા હાઇકોર્ટે આ મામલાની તપાસ માટે સી.આઇ.ડી ક્રાઇમને સોંપાયો હતો. બીજી તરફ આગોતરા જામીન ના મંજૂર થતાં પી.આઇ, પી.એસ.આઇ અને ચાર પો.કર્મી સી.આઇ.ડી. ક્રાઇમ સમક્ષ હાજર થયા હતાં. ત્યારથી લઇ નવ માસનો સમય થઇ ચુક્યો છે શેખબાબુની હત્યાના આરોપમાં છ લોકો ડ્યુડીશીયલ કસ્ટડી હેટળ જેલમાં છે. જાેકે શેખબાબુના મૃતદેહનો નાશ કેવી રીતે અને ક્યારે ક્યા કરાયો એ સવાલોના ઉત્તર હજી સુધી સી.આઇ.ડી.ક્રાઇમ મેળવી શકી નથી. બીજી તરફ જેલમાં રહેલા પી.આઇ. ડી.બી. ગોહિલે અત્રેની સેસન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરતાં તેને નામંજૂર કરવામાં આવી છે.