હાજીપીર દરગાહના દર્શને જતાં વડોદરાના યાત્રાળુઓની લકઝરીને અકસ્માત ઃ ૧નું મોત
22, ફેબ્રુઆરી 2022

વડોદરા, તા. ૨૧

વાડી વિસ્તારના મોગલવાડા ખાટકીવાડમાં પત્ની અને ત્રણ વર્ષની પુત્રી સાથે રહેતા ૩૫ વર્ષીય શાહબાજખાન મહંમદખાન પઠાણ બાબા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ટુર ઓપરેટરનો વ્યવસાય કરતા હતા. કોરોનાનો કહેર ઓછો થતાં તેમણે ફરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો અને કચ્છ-ભુજ ખાતે હાજીપીરની દરગાહના દર્શન અને અન્ય સાઈડ સીનની ટુર્સનું આયોજન કર્યું હતું. ગત ૧૯મી તારીખની રાત્રે શાહબાજખાન તેમના માતા-પિતા અને નાના ભાઈ સહિતના યાત્રાળુઓ સાથે વડોદરા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં કચ્છ ભુજ ખાતે પહોંચ્યા હતા અને ભુજની ક્રિષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા. ગઈ કાલે ભુજમાં ફર્યા બાદ આજે સવારે દસ વાગે ભુજની ગુરુકૃપા ટ્રાવેલ્સની મિની લકઝરી બસ નંબર જીજે-૦૩-ડબલ્યુ-૯૬૫૬ ભાડે કરી ૧૫ મુસાફરો રિસોર્ટથી હાજી પીરના દર્શન કરવા માટે નીકળ્યા હતા.

રસ્તામાં ચા પીવા માટે બસ ઉભી રહ્યા બાદ ટુર ઓપરેટર શાહબાજખાન ડ્રાઈવર શીટની બાજુમાં આગળ બેઠા હતા. બસ ભુજથી નખત્રાણા થઈ હાજીપીર ફાટક ક્રોસ કરીને દેશલપર ગુથલી ગામ પાસેથી પસાર થતી હતી તે દરમિયાન સાડા બાર વાગે મુડી હાજીપીર જતા રસ્તા પર બચચાલકે અચાનક સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખાલી સાઈઢમાં ખાડામાં નીચે ઉતરી જઈ પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં બસનો આગળનો કાચ તુટતા તે આગળના ભાગે જમીન પર નીચે પડતા લકઝરી બસ તેમના ઉપર પડી હતી અને તે બસમાં દબાઈ ગયા હતા. શાહબાઝખાન સહિત ઈજાગ્રસ્તોને નખત્રાણા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જયાં શાહબાઝખાનને મૃત જાહેર કરાયા હતા. આ બનાવની ટુર ઓપરેટના ભાઈ સહેજાદખાને જે વડોદરા રેલવે વિભાગમાં ફરજ બજાવે છે તેમણે મિની લકઝરી બસના ચાલક હિતેશ સામે નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની પગલે મુસ્લિમ વિસ્તારમાં ગમગીની ફેલાઈ હતી.

ટૂર ઓપરેટરના ભાઈ સહિત ચારને ઈજા

આજે બપોરે આશરે સાડાબાર વાગે થયેલા અકસ્માતમાં ટુર ઓપરેટરના ભાઈ શહેજાદખાન મંહમદખાન પઠાણ, હમીદાબીબી મોહમ્મદસિદ્દીક શેખ, ખાતુનબીબી મોહંમદખા પઠાણ અને સહેજાદખા મોહમ્મદખાં પઠાણને ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ટુર ઓપરેટર શાહબાઝખાનના પત્ની તેમની બહેનની સગાઈ પ્રસંગમાં પુત્રી સાથે આણંદ સ્થિત પિયરમાં જતા પતિ સાથે યાત્રાએ ગયા નહોંતા જેથી તેમનો બચાવ થયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution