વડોદરા, તા.૨૯

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ દરમિયાન હાઇવે બહારનું પાણી મોટા પ્રમાણમાં આવવાને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ભરાય છે અને નુકસાન થાય છે વર્ષો જૂની આ સમસ્યાના નિકાલ માટે હાઇવે બહારનું પાણી શહેરમાં પ્રવેશે તે પહેલા જ બારોબાર નિકાલ કરી દેવા આયોજન કરાઈ રહ્યુ છે.આ પાણી કુદરતી કાંસ દ્વારા સીઘુ જાંબુવા નદીમાં જાય તે માટેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરાશે તેમ જાણવા મળે છે. આજે કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેન, કોર્પોરેશનના એન્જિનિયરો તથા વુડાના અધિકારીઓએ પૂર્વ વિસ્તારના ખટંબા રોડ સહિતના વિસ્તારોમાં જઈ નકશાના આધારે સ્થળ પરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તાજેતરમાંજ કોર્પોરેશનમાં પુર્વ અને દક્ષિણ ઝોનના વરસાદી પાણીના ભરાવા અને તેના નિકાલ માટે યોજાયેલી બેઠકમાં વિવિઘ મુદ્દે ચર્ચા વિચારણાં થઈ હતી. પુર્વ વિસ્તારમાં આવેલ વુડા વિસ્તારના ટીંબી અને અણખોલ તળાવમાંથી વરસાદી પાણી શહેરમાં પૂર્વ વિસ્તારમાં વાઘોડીયા રોડ પર આવે છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આજે સ્થળ સ્થિતિની મુલાકાત બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષએ કહ્યું હતું કે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં બહારના પાણીના ભરાવાના કારણે જે પરિસ્થિતિ ઉભી થાય છે તે માટે અણખોલથી એલએન્ડટી પાછળ થઈ, શંકરપુરા, ખટંબા, કપુરાઈ, જાેબન ટેકરી, રતનપુર અને કેલનપુર બાજુ પાણી નીકળે અને સીધું જાંબુવા નદીમાં ઠલવાઈ જાય તે માટે જે કુદરતી કાંસ છે તેને પહોળી કરાશે. પાણીના નિકાલ આડેના અવરોધો હટાવવા છે. ક્યાંય પુરાણ થયું હશે અથવા દબાણ થયું હશે તો તે પણ હટાવાશે. બોટલનેક દૂર કરાશે. આ કાચી કાંસનો ૩ કી.મી. જેટલો વિસ્તાર વુડામાં અને ૧૨ કી.મી. સીટી વિસ્તારના બહાર ની બાજુએ આવે છે.