નડિયાદ : નડિયાદના શ્રીસંતરામ મંદિર ખાતે પ્રાતઃસ્મરણીય પ.પૂ. રામદાસજી મહારાજશ્રીની નિશ્રામાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનાં ૧૯૦માં સમાધિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ નિમિત્તે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરાયું છે. કથાના પ્રથમ દિવસે વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી હતી. મંદિરના પરિસરમાંથી પ્રસ્થાન કરી સમાધી ચોક સ્થિત કથા મંડપે આવી પહોંચી હતી. જ્યાં સંતરામ મંદિરના મુખ્ય ગાદીપતિ પ.પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીએ મંગલદિપ પ્રગટાવી આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત સંતો, મહંતોએ કથાના કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો. જ્યારે કથાના મુખ્ય વક્તા શ્રદ્ધેયે સંતશ્રી દિગ્વિજયરામજી મહારાજે કથાનો મર્મ સમજાવ્યો હતો.

આ કથા આગામી સાત દિવસ સુધી ચાલશે. પ્રથમ દિવસે ઉમરેઠ સંતરામ મંદિરના પૂ.ગણેશદાસજી મહારાજ, નડિયાદ સંતરામ મંદિરના પૂ. નિર્ગુણદાસજી મહારાજ, કરમસદ સંતરામ મંદિરના પૂ.મોરારીદાસજી મહારાજ, કોયલી શાખાના પૂ.રઘુનાથજી મહારાજ, રઢુના પૂ. હરેશ્વરદાસજી મહારાજ સહિત અનેક સંતો હાજર રહ્યાં હતાં.