04, સપ્ટેમ્બર 2021
દિલ્હી-
પીએમ નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકાના પ્રવાસે જઈ શકે છે, તેઓ 23-24 સપ્ટેમ્બરે બે દિવસની મુલાકાત લેશે. જોકે, આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે PM મોદીની અમેરિકા મુલાકાત ત્રીજા સપ્તાહમાં શક્ય છે. PM મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે. ભારત યુએન સિક્યુરિટી કાઉન્સિલનું અસ્થાયી સભ્ય છે અને તેનું એક મહિનાનું રાષ્ટ્રપતિ પદ ગયા મહિને સમાપ્ત થયું હતું. આપને જણાવી દઈએ કે જો બિડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. અગાઉ 2019 માં તેઓ અમેરિકા ગયા હતા. વોશિંગ્ટનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે આ ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રને સંબોધન કરી શકે છે. તાલિબાનના કબજા પછી રાજકીય સંકટનો સામનો કરી રહેલો અફઘાનિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં મહત્વનો મુદ્દો બની શકે છે.