અમદાવાદ-

કોરોના વાયરસ મહામારી સામે ભારતમાં કરવામાં આવી રહેલી ટ્રાયલ અને અન્ય સંબંધિત કાર્યોનુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યુ. પોતાના ત્રણ શહેરોની યાત્રામાં સૌથી પહેલા તે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા. અહીં પીએમ મોદીએ ઝાયડસ કેડીલા પ્લાન્ટ પહોંચીને કોરોના વેક્સીન સાથે જોડાયેલ ઘટનાક્રમોની માહિતી લીધી. પીએમ મોદીએ ખુદ ટ્વિટ કરીને ઝાયડસ પ્રવાસની માહિતી આપી. પીએમ મોદીએ કહ્યુ, 'ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી સ્વદેશી ડીએનએ આધારિત વેક્સીન વિશે વધુ માહિતી લેવા માટે આજે ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી.'

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દેશની અલગ અલગ સંસ્થાઓમાં કોરોના વેક્સીન માટે ચાલી રહેલ કાર્યક્રમોની સમીક્ષા કરી રહ્યા છે. અમદાવાદમાં બાયોટેક પાર્કની પોતાની યાત્રા બાદ હવે પીએમ મોદી ભારત બાયોટેકના કોરોના સેન્ટરની મુલાકાત કરવા માટે હૈદરાબાદ પહોંચી ચૂક્યા છે. ત્યારબાદ પીએમ મોદી પૂણેમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(SII) પણ જશે. પોતાના અમદાવાદના પ્રવાસ વિશે માહિતી આપતા પીએમ મોદીએ એક ટ્વિટ કર્યુ. તેમણે લખ્યુ કે હું ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનના પ્રયાસ પાછળ સમર્પિત ટીમની પ્રશંસા કરુ છુ. ભારત સરકાર આ યાત્રામં તેમનુ સમર્થન કરવા માટે સક્રિય રીતે તેમની સાથે કામ કરી રહી છે. 


અમદાવાદમાં ઝાયડસ લેબ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ત્યાંના વૈજ્ઞાનિકો સાથે વેક્સીન વિશે વધુ માહિતી લીધી. સાથે જ પ્લાન્ટની બહાર ઉભેલી ભીડનુ પણ અભિવાદન કર્યુ. પીએમ મોદીની યાત્રા દરમિયાન અમદાવાદના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ. આ દરમિયાન પીએમ મોદીએ હાથ હલાવીને તેમનુ અભિવાદન કર્યુ. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના પ્રવાસનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા છે જ્યાં પહેલેથી જ ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકેલી વૈશ્વિક ફાર્મા દિગ્ગજ એસ્ટ્રાજેનેકા અને ઑક્સફૉર્ડ યુનિવર્સિટીની વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી રહી છે.