દિલ્હી-

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રૂવલ રેટિંગમાં વિશ્વના તમામ નેતાઓને પછાડીને ટોપનું સ્થાન હાંસલ કર્યું છે. નરેન્દ્ર મોદીએ જે નેતાઓને પાછળ રાખ્યા છે, એમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત કેટલાક દિગ્ગજ નેતાઓ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપ્રૂવલ રેટિંગ 70 ટકા છે. ટોપ 13 વૈશ્વિક નેતાઓમાં મોદીનું આ રેટિંગ સૌથી વધુ છે. ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં આ વાત સામે આવી છે. 'તમામ વયસ્કોની વચ્ચે' કરાયેલા આ સર્વે અનુસાર વડાપ્રધાન મોદી બાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રે મેનુઅલ લોપેજ ઓબ્રેડોર 64 ટકા સાથે બીજા નંબરે અને ઈટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધીએ 63 ટકાના રેટિંગની સાથે તૃતીય સ્થાન હાંસલ કર્યું છે. મોર્નિંગ કન્સલ્ટ એપ્રૂવલ અને ડિસએપ્રૂવલ રેટિંગ દરેક દેશના વયસ્ક લોકોના ઈન્ટરવ્યૂ આધારીત નક્કી થાય છે. આ આંકડો તૈયાર કરવા માટે મોર્નિંગ કન્સલ્ટે ભારતમાં લગભગ 2126 લોકોના ઓનલાઈન ઈન્ટરવ્યુ લીધા હતા. અમેરિકા ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઈટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં ટોપના નેતાઓ માટે એપ્રૂવલ રેટિંગને ટ્રેક કર્યું છે.