દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેરના સંકટ વચ્ચે કેન્દ્ર અને અનેક રાજ્ય સરકારો વચ્ચે તકરાર જાેવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના સંકટને લઈને અનેક રાજ્યના મુખ્યમંત્રીઓને ફોન કર્યો હતો જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ સામેલ હતા. પરંતુ આ વાતચીત બાદ હેમંત સોરેને જે ટ્‌વીટ કરી છે તે ચર્ચાનો વિષય બની છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્‌વીટમાં લખ્યું હતું કે, 'આજે આદરણીય વડાપ્રધાનજીએ ફોન કર્યો હતો. તેમણે ફક્ત પોતાના મનની વાત કરી. જાે તેઓ કામની વાત કરેત અને કેમની વાત સાંભળેત તો સારૂ રહેત.'હેમંત સોરેનની આ ટ્‌વીટ ગુરૂવાર સાંજથી જ સોશિયલ મીડિયા અને રાજકીય પાર્ટીઓમાં ચર્ચાનો વિષય બની છે. વડાપ્રધાન મોદીએ ગુરૂવારે મોડી સાંજે ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા સહિત અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

અગાઉ અરવિંદ કેજરીવાલે કોવિડ મામલે બોલાવવામાં આવેલી મીટિંગમાં પોતાનું સંબોધન લાઈવ કર્યું હતું જેને લઈ વડાપ્રધાન મોદીએ વિરોધ નોંધાવ્યો હતો.દેશના અન્ય રાજ્યોની માફક ઝારખંડ પણ હાલ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. જાે કે, રાજ્ય સરકારે લગાવેલા આરોપ પ્રમાણે તેમને કેન્દ્ર સરકારની પૂરતી મદદ નથી મળી રહી. હેલ્થ સેક્રેટરી અરૂણ સિંહના કહેવા પ્રમાણે રાજ્યને માત્ર ૨,૧૮૧ રેમડેસિવિર ઈન્જેક્શન જ આપવામાં આવ્યા છે. રાજ્ય પોતાની રીતે બાંગ્લાદેશથી ૫૦,૦૦૦ ઈન્જેક્શ મંગાવવા માંગતું હતું પરંતુ કેન્દ્રએ હજુ સુધી મંજૂરી નથી આપી. રાજ્યમાં હાલ વેક્સિનને લઈને પણ સંકટ જાેવા મળી રહ્યું છે. આ કારણે જ હજુ સુધી ૧૮થી વધારે ઉંમરના લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ નથી કરવામાં આવ્યો. બીજી બાજુ ઝારખંડ એક એવું રાજ્ય છે જે અનેક રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરી રહ્યું છે. પરંતુ તે પોતે ઓક્સિજન કન્ટેનર્સ અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.