ગાંધીનગર, ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક વર્ગ૩ ની પરીક્ષાના પેપર લીક પ્રકરણના મામલે ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પહોંચીને ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે પોલીસ દ્વારા આપના કાર્યકરો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં આપના અનેક કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્ક વર્ગ-૩ ની પરીક્ષાનું પેપર લીક થયું હતું. જે અંગે પહેલા ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરા દ્વારા નનૈયો ભણવામાં આવ્યો હતો. જાે કે તેના બીજા દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવાયું હતું કે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે અને આ પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ પેપર લીક પ્રકરણનો રેલો સાણંદ ખાતેના પ્રિન્ટીંગ પ્રેસ સુધી પહોંચ્યો હતો. જેના તાર ભાજપના કેટલાક મોટા માથા સુધી પહોંચે તેવી સંભાવના છે. હેડ ક્લાર્ક વર્ગ-૩ની પરીક્ષાના પેપર લીક પ્રકરણને લઈને આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે અસિત વોરાનું રાજીનામું લેવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને આવેદન પત્ર આપવા પહોચ્યા હતા. જ્યાં ‘આપ’ના કાર્યકર્તાઓ દ્વારા કમલમનો ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યું હતું. તેમજ સૂત્રોચ્ચાર કરતા હોબાળો મચી ગયો હતો. જેના કારણે પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત ભાજપના કાર્યકરો આવી જતા ‘આપ’ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉદભવી હતી. જેના કારણે પોલીસે આવીને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. જેના લીધે આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જયારે પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકરો ઉપર ડંડાવાળી કરીને દોડાવ્યા હતા. પોલીસની દંડાવાળીમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ ઘાયલ પણ થયા હતા. જયારે બીજી તરફ ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ સહિતના ‘આપ’ના નેતા-કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

પેપર લીક થયાની સરકારની સત્તાવાર કબૂલાત બાદ હવે પરીક્ષા રદ્‌ જાહેર કરાઇ શકે છે

ગુજરાતમાં સરકારના વિવિધ વિભાગો માટે આયોજીત હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા બાદ સરકાર – ગૌણ સેવા પસંદગી મંડળ અને ખુદ પરીક્ષાર્થીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. જાે કે આ મુશ્કેલીઓ વચ્ચે હજુ વધુ એક મુશ્કેલી પણ તોળાઇ રહી છે.. સુત્રોનું માનીએ તો ટૂંક સમયમાં પરીક્ષા રદ્‌ થાય એ દિશામાં ચક્રો ગતિમાન થયા છે. આ વાતની પ્રતિતિ તાજેતરમાં ગૌણ સેવા પંસંદગી મંડળ આયોજીત હેડક્લાર્કની પરીક્ષામાં જાેવા મળી છે. થોડા સમય અગાઉ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ જ મળી નથી એવો દાવો કરનારા ખુદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ ત્યારપછીના બે જ દિવસમાં પોતોના નિવેદનને ફેરવી તોળ્યુ એટલું જ નહીં પેપર લીક થયાની રજૂઆત અંગે ઇ-મેઇલ સીધો સાબરકાંઠા એસપીને કર્યો. તો બીજીબાજુ જેઓ નિર્દોષ વિદ્યાર્થીઓને અન્યાયનો ભોગ બનવું પડે નહીં તેના માટે લડત ચલાવવા સુધી તૈયાર રહે છે એવા યુવરાજસિંહ જાડેજા સહિતના વિદ્યાર્થીનેતાએ આ અંગે પેપર લીક થયાના પુરાવા સબળ રીતે બીજીવાર રજૂઆત કરવા તૈયારી બતાવી તો સાબરકાંઠા પોલીસને મળેલી રજૂઆતના આધારે સાબરકાંઠાપોલીસે તપાસનો દોર શરૂ કર્યો અને આજની સ્થિતિએ ૧૧ આરોપીઓની ભૂમિકા સામે આવી છે , જેઓ આજે જેલમાં કેદ છે..અને હજી કદાચ ગૌણ સેવા પસંદગી મંડળના જ કેટલાંક મોટામાથા સહિતના નામ પણ ખુલવાની શક્યતા નકારી શકાય એમ નથી. આ પ્રકારની યોજાતી પરીક્ષા સરકાર માટે ટીપે-ટીપે સરોવર ભરાયાની જેમ તિજાેરી છલકાવી દે છે..પરંતુ જેઓએ મહેનત કરીને પરીક્ષા આપી છે તેમના માટે અન્યાય સમાન પુરવાર થાય છે..ત્યારે ૧૮૬ ખાલી જગ્યા માટે લાખો વિદ્યાર્થીઓને કોલ શા માટે ? એ મુદ્દે પણ સરકારે વિચાર કરી માત્ર મૂળ જગ્યાના પાંચગણા પરીક્ષા અને તેમાં ઉત્તીર્ણ ડબલને મૌખિકમાં બોલાવવાનો અભિગમ અપનાવાય તો આ પ્રકારે થતાં મસમોટા કૌભાંડ અને પેપરલીક જેવા બનાવ નિવારી શકાય છે..હવે પેપર લીક અને લાખો લીધા હોવાની વિગત સહિત આરોપીઓની કબૂલાત થઇ છે.