મુંબઈ-

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે ગુરૂવારની રાત્રે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી એ ઘટના કોઈ આતંકવાદી કૃત્ય હોઈ શકે એ બાબતનો પોલીસે ઈનકાર કર્યો નથી. 

મુંબઈના સંયુક્ત પોલીસ કમિશનર મિલિન્દ ભરામ્બેએ કહ્યું હતું કે, પોલીસ તમામ દ્રષ્ટિએ આ કેસને તપાસી રહી છે, જેમાં આ આતંકવાદી હુમલાનું કાવતરું હોઈ શકે કે કેમ એ એક પાસું પણ છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા પણ સંયુક્ત તપાસ શરૂ કરી દેવાઈ છે અને આ કાર જેની ચોરાઈ હતી એ હિરેન મનસુખની પૂછપરછ કરવા સાથે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અંબાણીના બિલ્ડીંગ પાસે આ વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી જેમાં ધમકી આપતી એક ચીઠ્ઠી પણ સામેલ હતી. પોલીસે કહ્યું હતું કે, અમે છેલ્લા બે અઠવાડિયાના  સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છીએ.

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઈ આતંકવાદી જૂથ દ્વારા કરાતા આ પ્રકારના હુમલા કે ધમકીના કેસમાં થોડા કલાકોની અંદર જે-તે જૂથ દ્વારા તેની જવાબદારી સ્વીકારાતી હોય છે, પરંતુ આ કેસમાં તેમ બન્યું નથી. પોલીસે કહ્યું હતું કે, 2.5 કિલો વજન ધરાવતી 20 જેટલી જીલેટીન સ્ટીક્સથી જે વિસ્ફોટ થયો હોત, તો તેની અસર 3000 ચોરસ ફૂટમાં થઈ હોત.