નાઇજીરિયામાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો ગોળીબાર, અનેક લોકોના મોત
21, ઓક્ટોબર 2020

દિલ્હી-

નાઇજીરિયાના સૌથી મોટાં શહેર લાગોસમાં પોલીસની ક્રૂરતા સામે લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા. વિરોધપ્રદર્શનની સામે પોલીસ કાર્યવાહીમાં જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક ગંભીર રીતે ઘાયલ થયાં છે. એક પ્રત્યક્ષદર્શીએ ન્યુઝ ચેનલને કહ્યું કે પોલીસે કરેલાં ગોળીબાર પછી તેમણે અંદાજે 12 લોકોની લાશ જોઈ છે અને અંદાજે 50 લોકો ઘાયલ થયાં છે. 

ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે તેમની પાસે આટલા મૃત્યુ સાથે જોડાયેલા પુરાવાઓ છે. વહીવટીતંત્રએ ગોળીબારમાં આ મામલમાં તપાસનો વાયદો કર્યો છે. ઘટના પછી લાગોસ અને બીજા વિસ્તારોમાં અનિશ્ચિતકાલીન કર્ફ્યૂ લાગુ કર્યો છે. ભંગ કરવામાં આવેલી પોલીસ એકમ, સ્પેશિયલ એન્ટી-રૉબરી સ્કવૉડ (SARS)ની સામે બે અઠવાડિયાથી પ્રદર્શન થઈ રહ્યા હતા. લાગોસમાં બનેલી ઘટના પર પૂર્વ અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને રાષ્ટ્ર પ્રમુખ મુહમ્મદુ બુહારીને સૈન્ય દ્વારા થઈ રહેલી યુવાન પ્રદર્શનકારીઓની હત્યા રોકવાનું આહ્વાન કર્યું. 

માન્ચેસ્ટર યુનાઇટેડ માટે નાઇજીરિયાના ફૂટબૉલર ઓડિયન જૂડ ઇગ્હાલો (Odion Jude Lghalo)એ નાઇજીરિયાની સરકાર પર પોતાના જ લોકોની હત્યાનો આરોપ મૂક્યો છે. તેમણે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "મને આ સરકાર પર શરમ આવે છે."  ઘટનાસ્થળ પર હાજર રહેલાં વ્યક્તિએ કહ્યું કે વરદી પહેરેલી એક વ્યક્તિએ મંગળવારે સાંજે લાગોસના લેક્કીમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું. બીબીસી નાઇજીરિયા સંવાદદાતા નાયેની જૉન્સ મુજબ, સશસ્ત્ર સૈનિકોએ ગોળીબાર પહેલાં વિરોધપ્રદર્શન સ્થળે બેરિકેટિંગ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર લાઇવ કરવામાં આવેલાં એક વીડિયોમાં દેખાયું કે પ્રદર્શનકારીઓ કેવી રીતે જખમી થઈને પડ્યાં છે. એક પ્રત્યક્ષદર્શીએ ઓળખ છુપાવવાની શરત પર બીબીસીને કહ્યું, "સાંજે પોણા સાત વાગ્યે (સ્થાનિક સમયાનુસાર) પોલીસે શાંતિથી પ્રદર્શન કરી રહેલાં લોકો પર સીધી ગોળી ચલાવી." તેમણે કહ્યું, "તેઓ ગોળીઓ ચલાવી રહ્યા હતા અને સીધું અમારી પર નિશાન તાકી રહ્યા હતા. ઘણી અફરાતફરી મચી ગઈ. મારી પાસે એક વ્યક્તિને ગોળી વાગી અને તે ત્યાં જ મરી ગયો." "આ સંપૂર્ણ નર્ક જેવું હતું. તે અમારી પર ગોળીઓ વરસાવી રહ્યા હતા. આ તમામ અંદાજે દોઢ કલાક સુધી ચાલ્યું અને પછી પોલીસ મૃતદેહને ઉપાડીને લઈ ગઈ." તેમણે કહ્યું કે એ પ્રકારે બેરિકેટ લગાવ્યા હતા કે ઘટનાસ્થળ સુધી ઍમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. 

એક ટ્વીટમાં ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ નાઇજીરિયાએ કહ્યું કે તેણે "લાગોસના લેક્કી ટોલ ગેટ પર પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગની ઘટના અંગે પરેશાન કરી દેનારા પુરાવાઓ મળેલા છે." લાગોસ સ્ટેટના ગવર્નરના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, "લેક્કી ટોલ પ્લાઝા પર ગોળીબારના અહેવાલો મળી રહ્યા છે, આને જોતા 24 કલાક માટે લાગોસમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે જેથી #EndSARS વિરોધપ્રદર્શનની આડમાં છુપાઈને નિર્દોષ નાગરિક તબાહી મચાવનારા અપરાધીઓને રોકી શકે. " તેમણે કહ્યું કે રાજ્ય વહીવટીતંત્રએ તપાસનો આદેશ આપ્યો છે.

ગેરકાયદેસર ધરપકડ, હિંસા અને ગોળીબારના આરોપોથી ઘેરાયેલાં સાર્સને બંધ કરવાની માગ સાથે બે અઠવાડિયાથી વિરોધપ્રદર્શન શરૂ થયા હતા. રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ 11 ઑક્ટોબરે આ યુનિટ વિખેરી દીધું હતું પરંતુ પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળોમાં પરિવર્તનની અને દેશની વ્યવસ્થામાં સુધાર લાવવાની માગને લઈને પ્રદર્શન ચાલુ રાખ્યું. લાગોસના ગર્વનર બાબાજીડે સાન્વો-ઓલૂનું કહેવું છે કે અપરાધીઓએ વિરોધપ્રદર્શનને હાઇજેક કરી લીધું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution