અમદાવાદ,તા.૨૬ 

રાજ્યમાં કોરોનાના કુલ કેસો મામલે પહેલા નંબરે રહેલા અમદાવાદ શહેરમાં જાણે કોરોના જતો રહ્યો હોય તેમ લોકો બહાર નીકળી નિયમોનો ભંગ કરી રહ્યા છે. વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ હોય કે એલિસબ્રિજ ગુજરી બજાર લોકોની ભીડ ભેગી થઈ રહી છે, આ વચ્ચે ગત વર્ષે ચર્ચામાં આવેલા ઢોંગી ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડના ચાંદખેડા વિસ્તારમાં આવેલા દિવ્યકુંજ બંગલોઝ ખાતે મકાનમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. કોરોના મહામારીમાં લોકોએ એકબીજાથી દૂર રહેવાની અને અનેક લોકો સાથે ઢબુડી માતા ઉર્ફે ધનજીએ છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ હોવા છતાં આજે લોકો તેમની ઘર બહાર ઉમટ્યા હતા. આ અંગે જાણ થયા બાદ પોલીસે ધનજીની અટકાયત કરી હતી.કોરોનાની મહામારી વચ્ચે ધનજી ઓડના ત્યાં ભીડ ભેગી થઈ હોવા અંગે ચાંદખેડા પોલીસ પણ સાવ અજાણ હતી. વિસ્તારમાં ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટનસના પાલન કરાવવાની જવાબદારી ચાંદખેડા પોલીસની હોય છે ત્યારે તેઓ આ બાબતે કોઈ જાણ થઈ ન હતી. જો કે મીડિયાએ આ અહેવાલ પ્રસારિત કરતા ચાંદખેડા પોલીસના કર્મચારીઓ દોડતા થયા હતા અને તપાસ કરી હોવાની વાત કરતા જોવા મળ્યા હતા. ચાંદખેડા વિસ્તારમાં આવેલી દિવ્યકુંજ સોસાયટીમાં ધનજીનો બંગલો આવેલો છે. દિવ્યકુંજ સોસાયટીના ૨૦ નંબરના બંગલામાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા છેલ્લા દોઢેક વર્ષથી રહે છે. સ્થાનિકો મુજબ, ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા ૩૬ હજાર રૂપિયા ભાડું ચૂકવીને અહીં રહે છે. આ ઉપરાંત સુશીલકુમાર યાદવ નામનો વ્યક્તિ બંગલાનો માલિક હોવાનું પણ જાણવા મળ્યું છે. ધનજી ઓડ સામે બોટાદના રહેવાસી ભીખાભાઈએ એક અરજી કરી હતી અને જેમાં તેના પુત્રનો મોત પાછળ ધનજીને જવાબદાર ઠેરવ્યો હતો. ભીખાભાઈનો આક્ષેપ હતો કે ધનજીએ તેને દવા બંધ કરી દેવાની સલાહ આપી હતી અને જેનાથી તેના પુત્રનું મોત થયું છે. તેને લઈ પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ધનજી છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ગાદી ભરતો હતો અને પોતે ઢબુડી માતા છે અને લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો. જો કે ઢબુડીના ધતિંગનો પર્દાફાશ થતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ધનજી ધતિંગ વખતે પોતાનું મોઢું ચૂંદડીથી ઢાંકેલુ રાખતો હતો. તે ધૂણતો હતો. તેના અનુયાયીઓ ગરીબ અને ગ્રામીણ પંથકમાં એવા પ્રકારની આભા ઉભી કરતા કે, લોકોના દુઃખ દર્દ કરી દે છે. આ અંગે વિજ્ઞાનજાથાને જ્યારે જાણ થઈ ત્યારે તેણે પ્રથમ જે સ્થળે ઢબુડી માતાનો દરબાર ભરવાની જાહેરાત થતી હતી તે સ્થળની મુલાકાત લીધી અને એક સર્વે કરવામાં આવ્યો. ઢબુડી માતાના એક દરબારમાં તે લોકો પાસેથી ૮૦ લાખથી એક કરોડ જેટલી રકમ પડાવી લેતો હોવાનો પણ આરોપ લાગ્યો છે.