વડોદરા-

શહેરના ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ અને તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. ગોત્રીમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત નીપજ્યું હોવાંનો પોલીસનો ફોન આવ્યા બાદ પરિવારજનોએ તપાસ કરતા દર્દી સહી સલામત હોવાનું જણાઇ આવ્યું હતું. ડભોઇના એક ગામના ૩૭ વર્ષના દર્દીને ગત ૧૬મી તારીખે ગોત્રી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ર્દીના બનેવીને ડભોઇ પોલીસ મથકમાંથી કોલ આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા પેશન્ટની ડેથ થઈ છે. આ સાંભળી બનેવીને ધ્રાસકો પડ્યો હતો.

તેઓએ સામે દલીલ કરી હતી કે હું હાલમાં ગોત્રી હોસ્પિટલમાં જ છું અને દર્દી સાથે ૧૦ મિનિટ પહેલા જ વાત કરી છે. પોલીસે તેઓને ફરીવાર કહ્યું હતું કે અમને હોસ્પિટલમાંથી ફોન આવ્યો છે કે તમારા દર્દીનું મોત નીપજ્યું છે. પોલીસે બીજીવાર કરેલી વાતથી પરિવારજનોના પગેથી જમીન સરકી ગઈ હતી અને તેઓએ ડભોઇ ખાતે તેમના પરિજનોને જાણ કરી હતી. યુવાન દર્દીનું મોત નિપજ્યાનો મેસેજ મળતા જ પરિજનો આભા બની ગયા હતા. પતિનું મોત થયું હોવાની માહિતી મળતા જ પત્ની પણ બેભાન થઈ હતી. બીજી તરફ બનેવીએ હોસ્પિટલમાં જઈને તપાસ કરતા સારવાર લઈ રહેલો તેમનો સાળો સહી સલામત છે. તેનું સ્વાસ્થ્ય સારું છે. આ બાબતની પૂર્ણ ચોક્સાઈ થતા જ પરીવારે ત્યાં હાજર સ્ટાફને તેમની બેદરકારી અને બેજવાબદારી બદલ રીતસરના ખખડાવ્યા હતા. બીજી તરફ પોલીસે પણ મેડિકલ સ્ટાફ અને તબીબોને આ પ્રકારની ભૂલ નહીં કરવા ચેતવ્યા હતા.