વડોદરા : વાહનચોરીના આરોપીને યાકુતપુરામાં પકડવા ગયેલી સિટી પોલીસ મથકની ટીમના એક જવાન આરોપી પાછળ દોડયા બાદ છાપરા પરથી પડતાં ઈજાગ્રસ્ત થય હતો. તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છતાં અંતે આરોપી સાથે મળી જઈ ભીનું સંકેલી દીધું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે અને આ અંગે પોલીસ ચોપડે કોઈ જ પ્રકારની સત્તાવાર નોંધ પણ કરવામાં આવી નથી. 

યાકુતપુરા ભોઈવાડા નર્મદા કન્યા શાળાની પાછળ બનેલા આ બનાવને નજરે જાેનારા અનેક રહીશો છે. જેમાં અલ્તાફ ઉર્ફે જીણુ નામના આરોપીને પકડવા માટે આવેલી ચોરીની રિક્ષા વેચવાના કેસમાં પેટલાદ પોલીસે આ વિસ્તાર સિટી પોલીસ મથક હેઠળ આવતો હોવાથી સ્થાનિક પોલીસની મદદ લઈ તા.૩૦મીએ યાકુતપુરા પહોંચી હતી અને અલ્તાફના ઘરે જઈ એની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને ચકમો આપવામાં હોશિયાર ચોરીની રિક્ષા વેચનાર અલ્તાફ ઉર્ફે જીણુએ હું ઉપર ઘરવાળાને કહીને તમારી સાથે આવું છું એમ કહી ઉપર જતાં જ સિટી પોલીસ કર્મચારી પ્રદીપને શંકા જતાં એ ઉપર એની પાછળ ગયો હતો. પરંતુ અલ્તાફે ઉપરના માળેથી પાછળ આવેલા ઘરના છાપરા ઉપર ભૂસકો મારી ભાગી છૂટવાનો પ્રયાસ કરતાં પોલીસ કર્મચારી પ્રદીપે પણ એની પાછળ દોડી ભૂસકો મારવા જતાં તે નીચે પટકાયો હતો અને અલ્તાફ ભાગી છૂટયો હતો. ભૂસકો મારવા જતાં પટકાયેલા પોલીસ કર્મચારીએ બૂમાબૂમ કરતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને મકાનની આગળ ઊભેલા અન્ય પોલીસ કર્મચારીઓને જાણ કરતાં તાત્કાલિક ૧૦૮ બોલાવી પ્રદીપને કારેલીબાગ વિસ્તારમાં આવેલી વાયરોક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો, જ્યાં એને પગમાં અને માથામાં ઈજા થઈ હોવાનું જણાઈ આવતાં પગનો એક્સ-રે અને માથાનું સીટીસ્કેન તેમજ એમઆરઆઈ કરાવી સારવાર શરૂ કરાવી હતી. આરોપીને પકડવા જતાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીની વાત શહેરના પોલીસબેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ અંગે કેવું વલણ દાખવે છે એની રાહ જાેઈ રહ્યા હતા.પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે આ ઘટના અંગે સિટી પોલીસ મથકે કોઈ જ પ્રકારની નોંધ કરવામાં આવી નહોતી અને યાકુતપુરા વિસ્તાર એક ભાઈનીની દરમિયાનગીરીથી સમગ્ર મામલા ઉપર ઢાંકપીછોડો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે અને હોસ્પિટલની સારવારનો ખર્ચો ઉપરાંત મોટી રોકડ રકમ લઈને મામલો રફેદફે કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

સિટી પીઆઈનો ઘટના ઉપર પડદો પાડી દેવાનો પૂરેપૂરો પ્રયાસ

આ ઘટના અંગે સિટી પીઆઈ વાણિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં ગભરાયેલા પીઆઈએ આવી કોઈ ઘટના નહીં બની હોવાનું જણાવ્યું હતું. પરંતુ પીએસઓએ પ્રદીન નામનો પોલીસ કર્મચારી કેટલાય દિવસથો ફરજ ઉપર નહીં આવતો હોવાનું જણાવી એના કારણ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. આમ સિટી પોલીસ સમગ્ર ઘટના ઉપર પડદો પાડી દેવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે.