પુત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર હત્યારા પિતાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પોલીસ
19, એપ્રીલ 2022

રાજકોટ,રાજકોટમાં રાત્રીના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન વિસ્તારમાં અમરગઢ ભીચરી ગામમાં પિતા રાજુ ભોજવીયાએ તેના જ પુત્ર અજીત ભોજવીયાને છાતીમાં છરી ભોંકી પતાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મૃતક અજીત પોતાની વાડીએથી ઘરે પત્નીને બોલાવવા આવ્‍યો હતો. પત્ની દરવાજાે બંધ કરી સુઇ ગઇ હોઇ જેથી અજીતે દરવાજાે ખખડાવતાં તેના પિતા રાજુ ઓસરીમાં સુતા હતા. પિતા રાજુએ જાગી અજીતને ‘શું દેકારો કરે છે? કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન અજિતે ‘હું મારી પત્નીને કહુ છું, તમે વચ્‍ચે ન બોલો’ તેમ કહેતાં પિતા રાજુએ તેને છરી ભોંકી પતાવી દીધો હતો. વચ્‍ચે પડેલી પત્ની અને પુત્રવધૂને પણ આ પ્રૌઢે ઇજા પહોંચાડી હતી. આરોપી હત્‍યા કરી ભાગી જતાં મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરગઢ ભીચરી રહેતા અજિત રાજુભાઇ ભોજવિયા (ઉં.વ.૩૨)ને રાતે તેના પિતા રાજુ ધનાભાઇ ભોજવિયા (ઉં.વ.૫૫)એ છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસેડાયો હતો, પરંતુ મૃતદેહ જ પહોંચ્‍યાનું જાહેર થતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે હત્‍યાનો ભોગ બનેલા અજિત ભોજવિયાની પત્ની ભારતી ભોજવિયા (ઉં.વ.૨૭)ની ફરિયાદ પરથી તેના સસરા રાજુ ધનાભાઇ ભોજવિયા સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution