જામનગર-

જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરમાં મોડી રાત્રે પોલીસકર્મીએ પોતાની પત્ની સાથે આપઘાત કર્યો હતો, જો કે, આવું શું કામ કર્યું તે હજી સુધી અકબંધ છે. પોલીસકર્મી ભરતભાઈ જાદવ અને તેમની પત્નીએ હેડક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંનેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પોલીસકર્મી અને તેની પત્નીએ આપઘાત કરી લેતા 6 મહિનાનું બાળક નિરાધાર બની ગયું છે. પતિ-પત્નીએ સાથે આપઘાત કરતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, આપઘાતનું ખરું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધાની ઘટનાને પગલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદમાં પોલીસ કર્મચારી અને તેના પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ચાર મહિનાનું બાળક નિષ્પ્રાણ માતાના મૃતદેહ પાસે રમી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને તમામ પોલીસકર્મીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.