વડોદરા : શહેરના વાઘોડિયા રોડ પર અંબે વિદ્યાલય પાસે આવેલ સનરાઈઝ કોમ્પલેક્સમાં ચાલતા કૂટણખાના ઉપર પીસીબીએ પાડેલા દરોડામાં ચોંકાવનારી માહિતીઓ બહાર આવી રહી છે. જેમાં દેહવ્યાપારના ધંધામાં સામેલ યુવતીઓમાં એક સગીર વયની બાળા હોવાથી ઈમોરલ ટ્રાફિક ઉપરાંત પોક્સો એક્ટ મુજબનો ગુનો પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. પીસીબીએ અટકાયત કરેલી દેહવ્યાપારમાં સંડોવાયેલી સાત યુવતીઓને મુક્ત કરી હતી. જ્યારે સ્થાનિક પાણીગેટ પોલીસ કેમ આ મામલામાં અંધારામાં રહી એવા સવાલો ઊભા થયા છે.

વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઈઝ કોમ્પલેક્સમાં ચાલતા દેહવ્યાપારના ધંધાની બાતમી પીસીબી પીઆઈ જે.જે.પટેલને મળતાં ગુરુવાર રાત્રે પાડવામાં આવેલા દરોડામાં મુખ્ય સંચાલિકા ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ અને ત્રણ ગ્રાહકો તેમજ એક સગીરવયની બાળા સહિત સાત ભોગ બનનાર યુવતીઓ મળી આવી હતી. જેમાં ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટ ઈપીકો કલમ ૩૬૬, ૩૭૦, ૩૭૨, ૩૭૬ અને ગંભીર કહી શકાય એવી પોક્સો એક્ટની કલમ-૬ મુજબની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ મથકે ગુનો રજિસ્ટર્ડ કરાવાયો છે.

આ ગુનામાં આરોપીઓ તરીકે અડ્ડાની સંચાલિકા ચંદ્રિકા ઉર્ફે રીટા બાબુલાલ શાહ (રહે. વાઘોડિયા રોડ), મંગળસિંગ ઉર્ફે મંગા કરનેલસિંગ વાલ્મીકિ (રહે. નિમેટા, મૂળ હાસનપુર, પંજાબ), ચરણજિતસિંગ ઉર્ફે કરમસિંગ કંબોજ (રહે. પટિયાલા, પંજાબ), જયેશ જગદીશભાઈ મકવાણા (રહે. નાથદ્વારા સોસાયટી, ડભોઈ રોડ)ને ઝડપી પાડયા છે. જ્યારે પાયલ પરસોત્તમદાસ સોની (રહે. સનરાઈઝ ટાવર), વિમલ લાલુભાઈ ડોડિયા (રહે. સુરત, સરોલી ગામ, મૂળ અમદાવાદ) અને આશરે ૧૦ અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂા.૨૪,૩૦૦, વાહન નંગ-ર કિંમત રૂા.૫૫,૦૦૦, એક ઓટોરિક્ષા કિંમત રૂા.૭૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂા.૨૨,૦૦૦ મળી કુલ રૂા.૧ લાખ ઉપરાંતની કિંમતનો મુદ્‌ામાલ જપ્ત કર્યો હતો. બપોર બાદ આરોપી સિવાયની સાત ભોગ બનેલી યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી.