ગાંધીનગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને સભ્યપદેથી હાર્દિક પટેલે રાજીનામું આપીને પક્ષને રામ રામ કર્યા પછી આજે તેણે કોંગ્રેસની પોલ ખોલી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને માત્ર પાંચથી સાત વ્યક્તિ ચલાવી રહ્યા છે. આ વ્યક્તિઓ દિલ્હીના નેતાઓ સુધી સાચી વાતને નહીં પહોંચાડવાનું કામ કરતા હોવાનો આક્ષેપ પણ હાર્દિકે કર્યો હતો. આ સાથે હાર્દિક પટેલે પોતાની સાથે થયેલા અન્યાય અને પક્ષમાં તેની કદર ન થતી હોવાનું પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પડેલી વિકેટોનો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે ચિંતન નહિ ચિંતા કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. માત્ર હાર્દિક પટેલ નહીં પરંતુ હાર્દિક જેવા ઘણાં નેતાઓ કોંગ્રેસમાં છે કે જેમની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું પણ હાર્દિકે જણાવ્યું હતું. હાર્દિક પટેલે પીએમ નરેન્દ્ર મોદી, ગુજરાતની ભાજપ સરકારના સારા કામ, ગુજરાતીઓ સાથે થયેલા અન્યાય સહિતના મુદ્દાઓને રજૂ કર્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે હાર્દિકે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો, અને વારંવાર પોતાને દુઃખ થયું હોવાનું, દુઃખ સાથે કહેવું પડે છે તેવો ઉલ્લેખ કરીને વિવિધ મુદ્દાઓને રજૂ કર્યા હતા. હાર્દિક પટેલે ગઈકાલના રાજીનામાની વાત કરીને કહ્યું હતું કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ખુલ્લા મનથી, ખુલ્લા હૃદયથી આપની સાથે ચર્ચા કરવા આવ્યો છું. ૨૦૧૫માં જયારે આંદોલનની શરુઆત કરી અને ત્યારથી ૨૦૧૯ સુધી મન ચોખ્ખું રાખીને ગુજરાતના લોકોના અધિકાર માટે કામ કર્યું હતું. સરકારના વિરુદ્ધમાં જનતાના અધિકાર માટે લડ્યા હતા, યુવાનોની ભાવનાને જાેડીને સવર્ણ સમાજને ૧૦ ટકા અનામત આપવાનું કામ કર્યું હતું. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સત્તા અને પદ વગર કામ થઈ ન શકતું હોય તો સ્વાભાવિક છે કે રાજકારણમાં જવું જાેઈએ અને આ જ હેતું સાથે હું કોંગ્રેસમાં જાેડાયો હતો. કોંગ્રેસમાં જાેડાયો ત્યારે સપનું હતું કે, જે હિત સાથે જે સપના સાથે કોંગ્રેસમાં આવ્યો છું, તે ગુજરાતના લોકોની વાત આક્રમકતા સાથે કરી શકીશ. ૨૦૧૭ અને ૨૦૧૫ની ચૂંટણીમાં વિપક્ષ હોય તો કંઈક થઈ શકે તેવા અવાજ સાથે અમે કોંગ્રેસને ફાયદો કરાવ્યો હતો. ગુજરાતનું સારું થાય તે જ ભાવના સાથે ૨૦૧૯માં હું કોંગ્રેસમાં જાેડાયો હતો. ૨૦૧૯થી ૨૦૨૨ સુધીના આ ત્રણ વર્ષના સમયગાળાની અંદર કોંગ્રેસને જાણી સમજી ત્યારે ખબર પડી કે, કોંગ્રેસની અંદર સૌથી મોટું જાતિવાદનું રાજકારણ છે. કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર શોભાના ગાંઠીયા જેવી હોય છે. અન્ય રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખને જવાબદારીઓ સોંપાય છે, પરંતુ ગુજરાતમાં મને બે વર્ષ સુધી કોઈ જવાબદારી સોંપી ન હતી. જ્યારે એક મહિનાથી કોંગ્રેસમાં થતી વિપરિત પરિસ્થિતિ અંગે મીડિયા સામે ખુલીને વાત મૂકી ત્યારે જે વખાણ કરતા હતા તે પાંચ થી છ નેતાઓ પોતાની મનમરજીથી મીડિયામાં આવીને ચર્ચા વિચારણા કરતા હતા. હાર્દિકે પોતાની નારાજગી અંગે કહ્યું હતું કે, ગુજરાતમાં માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં ઘણાં યુવાનો અને ધારાસભ્ય અને નેતાઓ છે કે જેમનો માત્ર ઉપયોગ કરાય છે અને કામ પતી જાય પછી ફેંકી દેવાય છે. આ જ રીતે ભૂતકાળમાં ચીમનભાઈને પણ હટાવી દેવાયા હતા. વિઠ્ઠલ રાદડિયાને પણ હટાવી દેવાયા હતા. ૨૦૧૨ની ચૂંટણીમાં નરહરી અમિનને પણ આ જ રીતે હટાવી દેવાયા હતા. જ્યારે કોઈ પાટીદાર કે કોઈ નેતા મજબૂત બનીને કોંગ્રેસનું કામ કરે ત્યારે પક્ષના નેતાઓ દ્વારા તેમને હટાવી દેવાનું કામ કરાય છે. કોંગ્રેસ પક્ષ પરિવારની આસપાસ ફરતી હોવાનું કહીને હાર્દિકે કહ્યું કે, જ્યારે જ્યારે મે કોંગ્રેસમાં સાચી વાત કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્રને માત્ર પાર્ટીના લોકોએ બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.