વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલ અને ફેકસાના રોગોના નિષ્ણાત ડો. સોનિયા દલાલ વચ્ચે રૂા.૩૦ કરોડના હિસાબના વિવાદ અંગે ક્રાઈમ બ્રાન્ચ દરેક પાસાની તપાસ કર્યા બાદ જ ફરિયાદ નોંધશે એમ એસીપી ક્રાઈમ ડી.એસ.ચૌહાણે જણાવ્યું છે. ડોકટર દ્વારા ર૮૦૦ દર્દીઓની સારવાર કરી હોવાનું લાંબુંલચક લિસ્ટ અપાયું છે. એમાં દર્દીઓની વિગતો, હોસ્પિટલનું લિસ્ટ, વીમા કંપનીઓ પાસેથી પણ વિગતો મેળવ્યા બાદ ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા બાદ એફઆઈઆર દાખલ થશે એમ એસીપીએ ઉમેર્યું હતું.

ડો. સોનિયા દલાલે પોલીસ કમિશનરને કરેલી અરજીની તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે. ડોકટર દ્વારા એમ.ઓ.યુ.નો ભંગ કરી હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીઓ પાસેથી લખલૂટ રકમો ડોકટરના નામે મેળવી લઈ એ રકમ જે ૩૦ કરોડ ઉપરાંતની થાય છે એવું ડોકટરે જણાવ્યું છે. આ અરજીમાં ૨૮૦૦ દર્દીઓની સારવારનું લિસ્ટ પણ સામેલ છે ત્યારે આવા દર્દીઓએ સારવારના કેટલા રૂપિયા ચૂકવ્યા અને નિષ્ણાત ડોકટરની ફી નામે કેટલા આપ્યા એની તપાસ કરાશે. એવી જ રીતે સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી પણ દર્દીઓ પાસેથી કેટલી રકમ લેવાઈ, નિષ્ણાત ડોકટરના નામે કેટલી એની તપાસ થશે. ૨૮૦૦ પૈકી મોટાભાગના બિલો હેલ્થ ઈન્સ્યુરન્સ હેઠળ વીમા કંપનીઓએ ચૂકવ્યા હોવાથી ઈન્સ્યુરન્સ કંપનીઓ પાસેથી પણ માહિતી મેળવાશે.

હોસ્પિટલ અને ડોકટર વચ્ચે એમ.ઓ.યુ.નો ભંગ થયો છે કે કેમ? સરકારની કોરોનાની સારવારની ગાઈડલાઈનનું પાલન થયું છે કે નહીં એ અંગેની માહિતી મેળવાશે એમ તપાસ સાથે સંકળાયેલા એસીપીએ જણાવ્યું છે. હાલમાં જ રાજ્યના એક પૂર્વ મંત્રી યોગેશ પટેલ દ્વારા કોરોનાકાળમાં તબીબોએ લૂંટફાટ ચલાવી હોવાનું નિવેદન અપાયું હતું, જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને ભારે વિરોધ કરી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલને નિવેદન પાછું ખેંચવા માગ કરી હતી. એવા સમયે ડો. સોનિયા દલાલની સ્ટર્લિંગ હોસ્પિટલ સામેની ફરિયાદથી તબીબીઆલમમાં ખળભળાટ મચી ગયો છે.

 સારવારના વધારે નાણાં લેવાયાં હોય તો દર્દીને પાછા મળવા જાેઈએ

નિષ્ણાત તબીબ અને હોસ્પિટલ વચ્ચેના વિવાદમાં બંને પક્ષ દ્વારા સામ-સામે આક્ષેપો કરી પોતપોતાનું આર્થિક હિત જુએ છે. ખરેખર તો સારવારના નામે વધારે નાણાં લેવાયા હોય તો સામાન્ય જનતાનું વિચારી એ નાણાં દર્દીઓને પાછા આપવા જાેઈએ એવું કોઈ કેમ બોલતું નથી એવી ટકોર એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કરી છે. આવા વિવાદોથી આખું તબીબીઆલમ બદનામ થઈ રહ્યું છે, એવા સંજાેગોમાં સારવાર માટે વધારે નાણાં લેવાયાં હોય તો દર્દીઓને પરત કરવા જાેઈએ એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

દર્દીઓને વધારાના નાણાં પરત કરવા જાેઈએઃ યોગેશ પટેલે

પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ સ્ટર્લિંગ હોસ્પિટલ સત્તાવાળાઓ સામે ડો. સોનિયા દલાલે કરેલી ફરિયાદ અંગે પોતાનો મત પ્રગટ કરી સ્ટર્લિંગ હોસ્પિટલે કોરોનાની સારવારના નામે ઉઘાડી લૂંટ ચલાવી હોવાનું અખબારીયાદીમાં જણાવ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલે જે તે સમયે સરકારના જાહેરનામાનો ભંગ કરી દર્દીઓ પાસેથી નાણાં વસૂલ્યાં છે, તે ચલાવી લેવાય નહીં એમ જણાવી પાલિકાના આરોગ્ય વિભાગે પણ તપાસ કરી દર્દીઓને વધારાના નાણાં પરત કરવા જાેઈએ એમ યોગેશ પટેલે ઉમેર્યું છે.