ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનનું કામ ૨૦૨૩ સુધી પૂર્ણ કરવાની તૈયારી
07, જાન્યુઆરી 2021

ગાંધીનગર, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો ૧૭ વર્ષથી અટકેલો ૩૨ કિલોમીટરનો મેટ્રો રેલ પ્રોજેકટ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જયારે ગાંધીનગરમાં ૨૮ કિલોમીટરની મેટ્રો ટ્રેનનું કામ ૨૦૨૧માં શરૂ કરી ૨૦૨૩ સુધી પૂર્ણ કરવાની પણ તૈયારી થઈ ચૂકી છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો રેલનો પ્રોજેક્ટ અતિ વિલંબિત થઇ ચૂક્યો છે.  

અમદાવાદમાં મેટ્રો રેલની યોજના ૨૦૦૩થી વિચારણામાં આવી હતી, જેને ૧૭ વર્ષ પૂરાં થયાં છે, મેટ્રોનું કામ શરૂ થયા પછી પણ ચાર વર્ષનો વિલંબ થયો છે. અમદાવાદની મેટ્રો રેલના ૩૨ કિલોમીટરનું કામ બે વર્ષમાં પૂર્ણ કરી ૨૦૨૨ સુધીમાં અમદાવાદના મુસાફરો મેટ્રોમાં સફર કરી શકે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અમલમાં મુકાયા બાદ મેટ્રો રેલનું કામ ૨૦૧૮માં પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ હતો, પરંતુ અત્યારસુધીમાં માત્ર છ કિલોમીટરની જ મેટ્રો રેલ શરૂ થઇ ચૂકી છે. ૨૦૦૩માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ ૩૫૦૦ કરોડ નક્કી કરવામાં આવી હતી. બીજી વખત જ્યારે ૨૦૦૭માં વિચાર કર્યો ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ ૮૦૦૦ કરોડ થવાની હતી. ૨૦૧૪માં મેટ્રો રેલના પ્રોજેક્ટની કોસ્ટ ૧૦૭૭૩ કરોડ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને ૧૨૭૮૭ કરોડ થઇ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે એટલો ખર્ચ વધી રહ્યો છે. હવે કંપનીએ ૨૦૨૨માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવાનો ટાર્ગેટ રાખ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution