વડોદરા-

કોરોના વાયરસની ત્રીજી વેવમાં સૌથી વધુ બાળકો સંક્રમિત થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે વડોદરામાં તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકો માટે અત્યારથી વ્યવસ્થા કરી મૂકવામાં આવી છે. કોરોના સંક્રમિત બાળકોને આનંદિત રાખવા માટે બાળકોને ગમતા કાર્ટુન અને રમકડાંઓ સાથેનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, કોરોનાની બીજી વેવમાં ફક્ત શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં ૫૦ કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરાઈ હતી. હોસ્પિટલ સ્થિત પીડિયાટ્રિક વોર્ડમાં ૧૦ બેડનો કોરોના વોર્ડ છે. જેમાં ગંભીર રીતે સંક્રમિત થયેલા ૧૦ બાળકોની સારવાર કરાઈ હતી. બાકીના બાળકો હોમ આઇસોલેશનમાં સ્વસ્થ થયા હતા. હવે જ્યારે ત્રીજી વેવમાં સૌથી વધુ બાળકો સંક્રમિત થવાની આશંકા નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. ત્યારે પીડિયાટ્રિક વોર્ડમાં ૧૦૦ બેડનો વોર્ડ ઉભો કરાશે અને સારવાર લઈ રહેલા બાળકો પોતાના રોગને દર્દ ભૂલી આનંદિત રહી શકે તે માટે બાળ સંજીવની વિભાગમાં બાળકોને ગમતા કાર્ટુનનું દીવાલો પર પેઇન્ટિંગ કરાવવામાં આવ્યું છે. તેમજ બાળકોને રમવા માટે રમકડાંનો પણ ખાસ વિભાગ ઉભો કરાયો છે.