સમગ્ર રાજ્યમાં ચકચાર જગાડનારા વડોદરાના ગોત્રી વિસ્તારના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં સંડોવાયેલા આરોપી અશોક જૈન તેમજ પીડિતાને મદદગારી કરી સમગ્ર બનાવમાં પડદા પાછળ મુખ્ય ભૂમિકા ભજવનાર કુખ્યાત વોન્ટેડ બૂટલેગર અલ્પુ સિંધી બળાત્કારની ફરિયાદ થતાં જ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. આ બનાવમાં પોલીસે બળાત્કારના આરોપી રાજુ ભટ્ટને મદદગારી કરનાર કાનજી મોકરિયાની રેપકાંડમાં પ્રથમ આરોપીની ધરપકડ કર્યા બાદ રાજુ ભટ્ટને પણ ઝડપી પાડ્યો હતો. જાે કે આ બનાવમાં મુખ્ય આરોપી અશોક જૈન તેમજ વોન્ટેડ બૂટલેગર અલ્પુ સિંધીને શોધવા માટે શહેર પોલીસ તંત્ર ૧૭ દિવસથી હવામાં બાચકાં ભરતું હતું. જાે કે આજે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવતા જ પોલીસ ખાતામાં એકાએક જાેમ આવ્યું હતું અને રેપકાંડમાં એક નહીં પરંતું બંને આરોપી અશોક જૈન અને અલ્પુ સિંધી અલગ અલગ સ્થળેથી વહેલી સવારે ઝડપાઈ ગયા હતા. ૧૭ દિવસ સુધી જેઓના કોઈ સગડ નહોતા અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી શહેરમાં આવતા જ તુરંત બંને આરોપીઓ ઝડપાઈ જતાં શહેર પોલીસતંત્રની કામગીરીએ શંકાઓ સાથે અનેક સવાલો ઊભા કર્યા છે.

દુષ્કર્મ બાદ સી.એ. અશોક જૈન ધર્મસ્થાન પાલિતાણાની ધર્મશાળામાં છૂપાયેલો

વડોદરા : ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં પોતાની પુત્રીની ઉંમરની પરપ્રાંતીય યુવતી પર બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને જૈન સમુદાયની સંસ્થાના અગ્રણી અશોક જૈન ફરિયાદ નોંધાયા બાદ ફરાર થયો હતો. રેપકાંડના મુદ્દે પોલીસ તંત્ર પર સતત માછલા ધોવાતા શહેર પોલીસ કમિ.એ આ કેસની તપાસ માટે એસીપી સહિતની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ તેમજ તેેઓના માર્ગદર્શન મુજબ તપાસ માટે વિવિધ ૭ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમ અશોક જૈનને શોધવા માટે ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, લખનૈા અને લોનાવાલા સહિત વિવિધ જગ્યાએ તપાસ કરી હતી પરંતું તેનો કોઈ પત્તો લાગ્યો નહોંતો. અશોક જૈન તેના કોઈ સંબંધીના સંપર્કમાં હશે તેવી પોલીસને ખાત્રી હોઈ પોલીસે તેના સગાસંબંધીઓ અને મિત્રો પર સતત વોચ ગોઠવી હતી.

દરમિયાન ટેકનીકલ સોર્સીસથી પોલીસને માહિતી સાંપડી હતી કે અશોક જૈન અમદાવાદમાં રહેતા તેના એક સંબંધીના સંપર્કમાં છે અને તેની સાથે વાતચિત કરે છે. આ વિગતોના પગલે પોલીસે તેના સંબંધીની પોલીસે પુછપરછ કરી તેના ફોનના આધારે વિગતો મેળવી હતી કે અશોક જૈન તાજેતરમાં અમદાવાદમાં હતો અને ત્યાંથી તે બગોદરા, ધોલેરા ગયો હતો અને હાલમાં તે જૈનોના ધાર્મિકસ્થળ પાલિતાણામાં આશરો લઈ રહ્યો છે.

આ વિગતોના પગલે પોલીસની એક ટીમ તુરંત અશોક જૈનનો પીછો કરતી પાલિતાણા પહોંચી હતી અને ગુપ્ત રાહે તપાસ ધરી હતી જેમાં અશોક જૈન એક ધર્મશાળામાં હોવાની ખાત્રી થતા જ પોલીસે આજે વહેલી સવારે ધર્મશાળામાં છાપો મારી અશોક જૈનને આબાદ ઝડપી પાડ્યો હતો. પોલીસ અશોક જૈનને લઈને તુરંત વડોદરા આવવા નીકળી હતી અને બપોર બાદ પોલીસની ટીમ અત્રે આવી પહોંચતા સીટના સભ્યોએ અશોક જૈનની પ્રાથમિક પુછપરછ કરી તેની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી હતી.

બૂટલેગર અલ્પુ સિંધી તેના સાગરિત ગોલુ સાથે ગુડગાંવના ફ્લેટમાં ઝડપાયો

વડોદરા, તા. ૭

દારૂબંધીના ગુનામાં વોન્ટેડ હોવા છતાં મુળ હરિયાણાની બળાત્કાર પિડિતા યુવતીને દોસ્તીના નાતે મદદ કરી તેમજ બળાત્કારની ફરિયાદ નોંધાવવા માટે પડદા પાછળ રહીને મહત્વની ભુમિકા ભજવનાર શહેરનો કુખ્યાત બૂટલેગર અલ્પેશ ઉર્ફ અલ્પુ સિંધી હરદાસમલ વાઘવાણી પણ બળાત્કારની ફરિયાદ બાદ ફરાર થયો હતો. આ રેપકાંડમાં અલ્પુ સિંધી પાસે બળાત્કારના પુરાવાના ફોટા પહોંચતા આ કેસ ખરેખરમાં બળાત્કારનો, હનીટ્રેપનો કે યુવતીને પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે ફરજ પાડી બ્લેકમેઈલીંગનો કેસ છે તે મુદ્દે હજુ પણ અવઢવ છે.

જાેકે અલ્પુ સિંધી આ કેસમાં ભલે સાક્ષી હોય પરંતું તેની પુછપરછ અત્યંત મહત્વની હોઈ પોલીસ તંત્રની એક ટીમ તેની પણ શોધખોળમાં સક્રિય બની હતી. અલ્પુ સિંધી બૂટલેગર હોઈ અને તે વિવિધ રાજ્યોમાંથી વિદેશી દારૂ મંગાવતો હોઈ તેના અન્ય રાજ્યોના બૂટલેગરો અને ઠેકેદારો સાથે ગાઢ સંબંધો હોઈ તે આ ફરિયાદ બાદ ગુજરાતમાં તો નહી જ હોય તેની પોલીસ તંત્રને પણ ખાત્રી હતી. તે ગુજરાત છોડીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અથવા તો પંજાબના કોઈ શહેરમાં હોવાની શક્યતાને જાેતા પોલીસની એક ટીમ આ તમામ રાજ્યોમાં તપાસ કરી ખાલી હાથ પાછી હતી.

અલ્પુ સિંધી તેના મિત્ર ધર્મેશ ઉર્ફ ગોલુ સાથે હરિયાણાના ગુડગાંવ ખાતે સેક્ટર -૯૫માં આવેલા શાંતિવિહાર પ્રોજેક્ટ હેઠળની અહો હાઉસીંગ કોલોનીના ઓ-ટાવરના ૫૦૨ નંબરના ફ્લેટમાં આશરો લેતો હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત ત્રણ દિવસ સુધી ફ્લેટની બહાર વોચ ગોઠવી હતી અને અલ્પુ તેમજ ધર્મેશ આ ફ્લેટમાં રહેતા હોવાની ખાત્રી કર્યા બાદ પોલીસની ટીમે આજે વહેલી સવારે ફ્લેટમાં દરોડો પાડી બંનેને નિંદ્રાધીન હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમ આ બંને આરોપીઓને ખાનગી વાહનમાં લઈને શુક્રવારે બપોર સુધી વડોદરામાં આવ્યા બાદ બંને આરોપીની સત્તાવાર ધરપકડ કરાશે.

અશોક જૈન દેરાસરમાં જવા નીકળતાં જ પોલીસે ઘેરી લીધો

સીએની પ્રેકટીસમાં લાખો રૂપિયામાં આળોટતા અને વૈભવી જીવન જીવતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનને પોતાની કરતુતોના કારણે દિવાળીપુરાની રોકડનાથ સોસાયટી સ્થિત વૈભવી બંગલો અને મોજમઝા માટે રાખેલો ફ્લેટ છોડીને પાલિતાણાની ધર્મશાળામાં છુપાવવાની ફરજ પડી હતી. આજે સવારે અશોક જૈન તૈયાર થઈ દેરાસરમાં જવા માટે નીકળતા જ તેમની વોચમાં ગોઠવાયેલા પોલીસ જવાનોએ તુરંત તેમને ઘેરી લીધા હતા. પોલીસને જાેતા જ એકદમ સ્તબ્ધ બનેલા અશોક જૈને થોડી વાર માટે તો કોઈ જ પ્રતિક્રિયા આપી નહોંતી અને બાદમાં સ્વસ્થ થતાં તે પોલીસ સાથે જવા માટે તૈયાર થયા હતા.

અશોક જૈનનો સયાજી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાયો

અશોક જૈનને બપોર બાદ વડોદરામાં લાવતા જ તેનો તુરંત કોવિડ ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા સીટ દ્વારા તેની સત્તાવાર ધરપકડ કરી તેને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ બળાત્કારના પોલીસે આરોપી અશોક જૈનના વાળ, લોહી, નખ અને સ્પર્મના નમુના મેળવ્યા હતા. મેડિકલ તપાસ બાદ હવે અશોક જૈનને આવતીકાલે બપોર બાદ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે.

અલ્પુ સિંધી પાસેના પુરાવા પોલીસ માટે સૌથી મહત્વના બનશે

સમગ્ર રેપકાંડમાં મહત્વની છુપી ભુમિકા ભજવનાર બૂટલેગર અલ્પુ સિંધી પિડિતા યુવતીના સીધા સંપર્કમાં હોઈ પિડિતાએ ફરિયાદ અગાઉ અલ્પુ સિંધીને મહત્વના પુરાવા આપ્યા હોવાનું મનાય છે જેથી આ કથિત પુરાવા પોલીસ માટે મહત્વના સાબિત થસે તેમ મનાઈ રહ્યું છે. અલ્પુ સિંધી ભલે યુવતીની મદદ કરી છે તેમ કહેતો હોય પરંતું તેણે પણ યુવતી પર હુમલો કર્યાની વાત ચર્ચાતી હોઈ આ કેસમાં ખરેખરમાં તેની ભુમિકા શું હતી અને તેણે યુવતીના ફોટા-પુરાવાના આધારે કોઈ આર્થિક લાભો મેળવ્યા છે કે કેમ તે પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. જાેકે આ કેસમાં તે આરોપી નહી પરંતું માત્ર એક સાક્ષી હોઈ તેની પાસેથી પોલીસ કેટલી ફળદાઈ વિગતો મેળવે છે તે પુછપરછ બાદ સપાટી પર આવશે.

તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે,

પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે ઃ ગૃહ રાજ્યમંત્રી

મંત્રી પદ સંભાળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પહેલીવાર વડોદરા શહેરની મુલાકાત ે આવ્યા હતા.આ પ્રસંગે તેઓએ વડોદરામાં ચકતારી હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ મામલે જણાવ્યું હતું કે, તમામ આરોપીઓને વડોદરા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. પહેલા દિવસથી જ પોલીસ દ્વારા આ પ્રકરણમાં ટીમો બનાવવામાં આવી હતી. હું તમને વિશ્વાસ અપાવવા માગુ છું કે, પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે અને ભાજપની સરકાર આ બાબતે સ્પષ્ટ વલણ રાખે છે.