વડોદરા : નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આયોજિત ૮૦મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું વડોદરા એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

વડોદરા એરપોર્ટ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રોટોકોલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેરના મેયર જિગીશાબેન શેઠ, મેજર જનરલ બિક્રમદેવ સિંહ, કલેકટર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે આવકાર્યા હતા. ત્યાર બાદ તેઓ તરત જ હવાઈમાર્ગે કેવડિયા જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ કેવડિયામાં ૮૦મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર કોન્ફરન્સના શુભારંભ માટે ગુજરાતના મહેમાન બન્યા છે.

બંધારણ દિવસની ઉજવણી અને પ્રિસાઈડિંગ ઓફિસર્સની કોન્ફરન્સની શતાબ્દિ વર્ષને ધ્યાને રાખતાં ચાલુ વરસે ૮૦મી ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન તા.રપ-ર૬ નવેમ્બર દરમિયાન કેવડિયા ખાતે થયું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાન પરિષદના પ્રિસાઈડિંગ ઓફિસર્સ પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા અને વિધાન પરિષદના પ્રિસાઈગિ ઓફિસર્સે અને તમામ રાજ્યોની વિધાનસભાના સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા છે. તા.ર૬ નવેમ્બરનો દિવસ લોકશાહીના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ દિવસ છે. કારણ કે, આ દિવસને બંધારણ દિવસ સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષને પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દિ વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની ઉજવણીનો પ્રારંભ વર્ષ ૧૮૨૧થી કરવામાં આવ્યો હતો.