રાજપીપળા

 વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને લઈ જતી ખાનગી એજન્સીના બસના ડ્રાયવરો અને કંડક્ટરોએ બાકી નીકળતો પગાર વહેલી તકે આપવાની માંગ સાથે હળતાળ પર ઉતરી પડતા તંત્ર દોડતું થયું હતું, જાે કે અંતે એજન્સીના સંચાલકોએ એમની મંગણીઓ સ્વીકારી લેતા હડતાળ સમેટાઈ હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને લઈ જતી ભરૂચની દિવ્યા ટ્રાવેલ એજન્સીની બસના ડ્રાયવર અને કંડકટરોએ ૨૩ મી ડિસેમ્બરે હડતાળનું હથિયાર ઉગામ્યુ હતું.એમણે એવો આક્ષેપ લગાવ્યો હતો કે અમને લોકડાઉનનો પણ પગાર આપ્યો નથી અને છેલ્લા ૨ મહિનાનો પણ પગાર બાકી છે.અમે અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીએ.અમે જ્યારે પગાર માંગીએ તો અમને નોકરી પરથી છુટા કરી દેવાની ધમકીઓ આપે છે.અમારી માંગણી એવી છે કે લોકડાઉન સહિત અમારો બાકી નીકળતો તમામ પગાર અમને મળી જાય અને જે પણ ડ્રાયવર કંડકટરને છુટા કર્યા છે એમને પરત નોકરી પર લેવામાં આવે, અમારી આ માંગો જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.જાે કે હડતાળની બાબત જાણતા ખાનગી ટ્રાવેલ એજન્સીના સંચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.તમામ માંગણીઓ સંતોષવા માટે ખાતરી આપી ત્યારે પ્રવાસી બસોમાં ફરજ બજાવતા ડ્રાયવર કંડકટરોએ હડતાળ સમેટી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટીના મદદનીશ કમિશ્નર ડો.મયુર પરમારે જણાવ્યું હતું કે ફક્ત એક જ એજન્સીના ડ્રાયવર-કંડક્ટરોએ બસ ચલાવવાની ના પાડી હતી, એમની અને એમના માલિક વચ્ચે આંતરિક વિખવાદ થયો હતો.