મુંબઇ-

ઝારખંડની યુવતી સીમાને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ મળી છે. જેની ચર્ચા દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે. મિલમાં કામ કરતા મજૂર પિતાની પુત્રી સીમાની સિદ્ધિની દરેક લોકો વખાણ કરી રહ્યા છે. જેને લઈને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ સીમાની જોરદાર પ્રશંસા કરી છે અને તેની સફળતાની સ્ટોરી તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ શુક્રવારે કેમ્બ્રિજની હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિ મેળવનારી ઝારખંડની રહેવાસી સીમાની પ્રશંસા કરી હતી. પ્રિયંકા ચોપરાએ સીમાની વાર્તા ટ્વિટર પર શેર કરી હતી અને પોતાની પોસ્ટને કેપ્શન આપી હતી કે, "એક છોકરીને શિક્ષિત કરો અને તે દુનિયા બદલી શકે છે. આવી પ્રેરણાદાયી સિદ્ધિ. બ્રાવો સીમા હું એ જોવા માટે રાહ જોઈ શકતી નથી કે તમે આગળ શું કરશો. "

બીજી તરફ, અમિતાભ બચ્ચનની પૌત્રી નવી નવેલીએ સીમા અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યુ હતું કે યંગ ઇન્ડિયા. "ગયા અઠવાડિયે, 2021ના ​​સ્નાતકે મેસેચ્યુસેટ્સના કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંપૂર્ણ શિષ્યવૃત્તિ સ્વીકારી. સીમા ઓરમાંજિના એક ગામમાં નિરક્ષર માતાપિતાની પુત્રી છે. તેમનો પરિવાર ખેતી કરે છે અને તેના પિતા સ્થાનિક દોરીની ફેક્ટરીમાં નોકરી કરે છે. 2012માં યુમાકા ફૂટબોલ ટીમમાં શામેલ થઈ તે પછી સીમાએ બાળ લગ્નથી બચવા માટે શિક્ષણના અધિકાર હેઠળ લડાઈ લડી હતી અને શોર્ટ્સ પહેરવાથી તેની મજાક ઉડવા છતા તે વર્ષો સુધી ફૂટબોલ રમી હતી. તે યુનિવર્સિટીનો અભ્યાસ કરનારી તેના પરિવારની પહેલી મહિલા હશે. "