ગુજરાતની ૩ સર્વશ્રેષ્ઠ શાળાઓમાં વાઘોડિયાની વિવેકાનંદ શાળાના સંચાલકને ઈનામ એનાયત
17, જુન 2021

ગાંધીનગર, રાજ્યની શાળાઓની ગુણવત્તા સર્વોત્તમ કક્ષાએ લઈ જવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવા અંગે વર્ષ ૨૦૧૩-૧૪થી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ‘શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ’ આપવામાં આવે છે. આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યકક્ષાએ પસંદગી પામેલી ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે આવેલી શાળાને રૂ. ૫ લાખ, દ્વિતીય ક્રમે આવેલી શાળાને રૂ. ૩ લાખ અને તૃતીય ક્રમે આવેલી શાળાને રૂ. ૨ લાખ ઇનામ પેટે આપી હતી. મંત્રી ચુડાસમાના હસ્તે પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરી શાળા સંચાલકોને યોગ્ય પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું. જિલ્લા-રાજ્ય કક્ષાની શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના વર્ષ ૨૦૧૩-૧૪થી અમલી બનાવવામાં આવી છે. દર વર્ષે શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત દરેક જિલ્લાની ૧ થી ૩ ક્રમની શ્રેષ્ઠ શાળાને રૂ. ૧ લાખ ઈનામ પેટે આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી શાળાની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થાય છે. ત્યારબાદ તમામ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલી શાળાઓ પૈકી રાજ્યકક્ષાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની શ્રેષ્ઠ શાળા પસંદ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે પસંદગી પામેલી શાળાને રૂ. ૫ લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી શાળાને રૂ. ૩ લાખ અને તે જ રીતે તૃતીય ક્રમે આવેલી શાળાને રૂ. ૨ લાખ ઈનામ પેટે આપવામાં આવે છે. (વર્ષ ૨૦૨૦-૨૧માં જિલ્લા કક્ષાએ કુલ ૬૨ શાળાને આ યોજનાનો લાભ મળ્યો છે. તે પૈકી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી ત્રણ શાળાઓના સંચાલકોને આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના કાર્યાલય ખાતે પ્રોત્સાહક ઈનામ આપી સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

 જેમાં પ્રથમ ક્રમે પસંદગી પામેલી કચ્છ જિલ્લાની ભૂજ ખાતે આવેલી શ્રી માતૃછાયા કન્યા વિધાલયને રૂ. ૫ લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયને રૂ. ૩ લાખ અને તૃતિય ક્રમે પસંદગી પામેલી વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવેલી વિવેકાનંદ ઉચ્ચતર ઉ.બુ.વિધાલયને રૂ. ૨ લાખ પ્રોત્સાહક ઈનામ આપી તેના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution