ભાજપ અધ્યક્ષના આગમન સમયે પાવીજેતપુરમાં વિરોધ પ્રદર્શન
02, જાન્યુઆરી 2021

પાવી જેતપુર, ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના પાવીજેતપુરમાં આગમન સમયે પાવીજેતપુરમાં નવીન બનાવેલ આંબેડકર સ્મારકના નાણાંના બિલો પંચાયત દ્વારા નહીં ચૂકવાતા તેનો વિરોધ કરવાના હતા, જેની જાણ પાવીજેતપુર પોલીસને થતાં રોહિત વાસના લલીતભાઈ રોહિત સહિત ૨૬ જેટલા સ્ત્રી-પુરુષોને અટકાયત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પાવીજેતપુર રોહિતવાસના પાછળના ભાગે, છોટાઉદેપુર રોડ ઉપર આંબેડકર સ્મારક વિવિધ ગ્રાન્ટોમાંથી બનાવવામાં આવ્યું છે તેના રૂ. ૭,૫૦,૦૦૦ રૂપિયાના નાણાંના બિલો પંચાયત તરફથી ચૂકવવામાં ન આવતા આજરોજ શાંતિમય રીતે વિરોધ પ્રદર્શન કરવાના હતા ત્યારે તંત્ર દ્વારા અગમચેતી વાપરી રોહિત વાસના ૨૬ જેટલા સ્ત્રી-પુરુષોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.પાવીજેતપુરમાં આંબેડકર સ્મારકના વહીવટ કરતા એવા વકીલ લલીતભાઈ રોહિતના જણાવ્યા મુજબ પાવીજેતપુર ગ્રામ પંચાયતમાંથી સાડા સાત લાખના બિલો છેલ્લા ચાર માસથી નહીં ચૂકવવામાં આવતા, વારંવારની રજૂઆતો કરવા છતાં તેનો કોઈ જ ઉકેલ ન આવતા, આજરોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવવાના હતા ત્યારે શાંતિમય રીતે આંબેડકર સ્મારક નજીક પ્લેકાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવાના હતા પરંતુ તંત્ર દ્વારા અમારી બળપ્રયોગ કરી અટકાયત કરવામાં આવી હતી. આ સમયે લલીતભાઈ વકીલ દ્વારા સરપંચ વિરુદ્ધ મનસ્વી વર્તન કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. પાવીજેતપુરના પી.એસ.આઇ.ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન કરવાની જાણ અમને થતાં ઘર્ષણ થાય તેવી પરિસ્થિતિ લાગતા અટકાયત કરાઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution