વડોદરા,તા.૨૯  

વડોદરા શહેરની હદ વધારવાને માટે આઉટ ગ્રોથ વિસ્તારમાં આવેલ સાત ગામોને સમાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.આની સામે સાતે ગામમાં ઉગ્ર વિરોધ અને આક્રોશ ભભૂકી ઉઠ્‌યો હતો.જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યોએ ઝંપલાવતા હડકંપ મચી ગયો હતો.આ વિરોધ કાબુ બહાર જતો હોય એમ લાગતા નર્મદા મંત્રી યોગેશ પટેલે તત્કાળ એક્શનમાં આવીને સરપંચો સાથે કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં મેયર,સાંસદ,ધારાસભ્યો,જિલ્લા પંચાયતના પ્રમુખ,પૂર્વ ધારાસભ્યોને સાથે રાખીને મિટિંગ કરી હતી. જેમાં સરપંચોએ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ રજુ કરી હતી.જે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મિટિંગ કરીને હલ લાવવાની ખાત્રી આપતા હાલ પૂરતું સાતે ગામનું આંદોલન સમેટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેને લઈને પાલિકાના શાસકોના જીવમાં જીવ આવ્યો છે.નર્મદા મંત્રી યોગેશ પટેલે તત્કાળ બોલાવેલી મિટિંગમાં જીલ્લ્લા પંચાયતના પ્રમુખ ઇલાબેન ચૌહાણ, મેયર ડો.જિગીષાબેન શેઠ,સાંસદ રંજનબેન ભટ્ટ, દિલુભા ચુડાસમા,દિનુમામા,બાલકૃષ્ણ ઢોલાર, સાત ગામના આગેવાનો,ધારાસભ્યો સીમાબેન મોહિલે,મનીષાબેન વકીલ,જીતુ સુખડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી યોગેશ પટેલે સાત ગામના સરપંચો સહિતના અગ્રણીઓના પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા હતા.તેમજ તેઓને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.આ ઉપરાંત જરૂર પડે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સીધી મુલાકાત કરાવવાની પણ બાંહેધરી આપી હતી.સરપંચોએ મંત્રી સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, આ સાતે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેતીની જમીન સિવાયની સોસાયટીઓ અને આવાસો બન્યા છે.કે અન્ય મકાનો બન્યા છે એને પાલિકામાં સમાવી લેવામાં આવે.પરંતુ તળ ગ્રામ્ય વિસ્તાર અને ખેતીની જમીનને પાલિકામાં સમાવવાથી બાકાત રાખવામાં આવે.પાલિકામાં સમાવવાથી ગ્રામજનોના માથે વેરાનું ભારણ વધુ આવશે.તેમજ અન્ય પ્રશ્નો રજુ કર્યા હતા.મંત્રી યોગેશ પટેલે આ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.એમ જણાવીને જ્યાં સુધી તેઓ કોઈ નિર્ણય લે નહિ ત્યાં સુધી કોઈપણ પ્રકારનું આંદોલન કરવું નહિ એમ કહેતા સરપંચોએ મંત્રીની વાતનો સ્વીકાર કરીને હાલ પૂરતું આંદોલન પાર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

મેયરે જણાવ્યું હતું કે,રેઇન વોટર હાર્વેસ્ટિંગના લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા સરપંચોને સાંભળીને એમના પ્રશ્નો ઉકેલવાની મંત્રીએ હૈયાધારણા આપી છે.દિનુમામા અને બાલકૃષ્ણ ઢોલારની કવેરી સોલ કરી દેવાઈ છે.જેને લઈને સીલ કરાયેલ ગ્રામ પંચાયતોની ઓફિસો એક બે દિવસમાં ખોલી દેવામાં આવશે.આ ઓફિસોમાંથી પાલિકાના ભાગનો રેકોર્ડ પાલિકા લઇ લેશે.તેમજ ગ્રામ પંચાયતને આપવાનો થતો રેકોર્ડ એમને આપી દેવાશે.આ કામગીરીમાં દરેક ગ્રામ પંચાયતમાં પાલિકાના બે સુપરવાઈઝર રહેશે.જેઓ પાલિકાના ડેપ્યુટી કમિશ્નર સુધીર પટેલના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ કામગીરી કરશે.

સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે,ડભોઇ અને સ્કૂલોના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને માટે આવેલ સરપંચો સાથે મિટિંગ કરીને સમજાવવામાં આવ્યા હતા.જેમાં મહદ અંશે સફળતા મળી છે.આને કારણે આગામી દિવસો સુધી આંદોલન સ્થગિત કરી દેવામાં આવ્યું છે.તેઓની મુખ્ય રજૂઆત સોસાયટી વિસ્તારને પાલિકામાં સમાવો,ગામોને નહિ.એવી હતી.જે શક્ય નથી.આથી આખી બાબત મુખ્યમંત્રી ઉપર છોડવામાં આવી છે.જેનો તેઓએ સ્વીકાર કર્યો છે.તેઓની લાગણી અને માગણીને મંત્રી દ્વારા મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે. તેમજ પ્રશ્નો હાલ કરવાનો પ્રયાશ કરાશે.આ ઉપરાંત ગ્રામજનોનું કહેવું હતું કે,એમના ૭૦ ટકા લોકો ભારે કરવેરા ભરી શકશે નહિ.હાલમાં ગામમાં ચાર કલાક પાણી અપાય છે.એ પણ પાલિકા આપી શકશે નહિ.છાણીનો વર્ષ ૨૦૦૩માં વડોદરામાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે પણ આવોજ વિરોધ થયો હતો.પણ પછીથી બધું થાળે પડી ગયું હતું.એમ આ પણ થાળે પડી જશે એવી આશા વ્યક્ત કરી હતી.