અમદાવાદ-

જાહેર ક્ષેત્રની બેંકોમાં તા, 13 માર્ચથી 16 માર્ચ સુધી, એમ ત્રણ દિવસ સુધી કોઇ બેન્કિંગ કામકાજ કરવાનું ટાળજો. મહાગુજરાત બેંક એમ્પલોયી અસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુજરાતભરની 18 હજાર શાખાઓના આશરે 55 હજાર જેટલા કર્મચારીઓ 15 અને 16 માર્ચે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળમાં જોડાવાનું આયોજન કરી રહ્યા છે.

13મી માર્ચે બીજો શનિવાર તેમજ 14મી માર્ચે રવિવાર હોવાથી, બેંકો વીકએન્ડમાં બંધ રહેશે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ ધ યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયને બે દિવસીય હડતાળની જાહેરાત કરી છે. બેંકોનું સંગઠન જાહેરક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં છે. વાત એમ છે કે, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021ની રજૂઆત કરતાં બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બે બેંકોનું ખાનગીકરણ સરકારની વિનિવેશ યોજના હેઠળ કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી અસોસિએશનના મહાસચિવ સી એચ. વેંકટચલમના જણાવ્યા પ્રમાણે, હૈદરાબાદમાં UFBUની બેઠક યોજાઈ હતી. જેમાં બેંકોના ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતભરની 18 હજાર શાખાઓના 55 હજાર જેટલા કર્મચારીઓ ઉતરી શકે છે હડતાળ પર જો આવું થશે તે બેંક કામગીરી ખોરવાશે.