પાલીતાણા,તા.૧૪

૧૧ માસ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતા પતિએ પત્નિનું ગળુ દબાવી હત્યા કરી હતી. જેમા બે મહિલાઓએ મદદગારી કરી હતી આ અંગેનો ગુનો જે તે સમયે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે પતિ સહિત બે મહિલાઓ સામે હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપી પતિ સામેનો હત્યાનો ગુનો સાબિત માની આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે મહિલાઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

પાલીતાણાના તળાવ વિસ્તારમાં આવેલ મોટા પીરની દરગાહ પાસે રહેતા ઇમ્તીયાઝ અલારખભાઇ ડેરૈયા, તેની માતા જાનુબેન ઉર્ફે જૈનમબેન અલારખભાઇ ડેરૈયા અને બહેન અફસાનાબેન ડેરૈયાએ ગત તા.૨૦-૩-૨૦૨૨ ના રોજ ઘરેલુ ઝઘડામાં ઇમ્તીયાઝના પત્નિ નરગીસબેનની ગળે ટુંપો દઇ તેમજ ઓશિકા વડે શ્વાસ રૂંધાવી હત્યા કરી નાખી હતી. આ અંગે મૃતક નરગીસબેનના પિતા રસુલખાન નવાબખાન બ્લોચ રહે. હિંમતનગર, સાબરકાંઠાવાળાએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ઇમ્તીયાઝ ડેરૈયા, અફસાનાબેન ડેરૈયા અને જૈનમબેન ડેરૈયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પાલીતાણા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨ અને ૩૪ મુજબનો ગુનો નોંઘી ત્રણેયની ધરપકડ કરી હતી.

જે કેસ અત્રેની ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિ એલ.એસ. પિરજાદાએ મદદનીશ સરકારી વકીલની અસરકારક દલીલો તેમજ લેખીત અને મૌખીક પૂરાવાઓ તેમજ સાક્ષીઓની જુબાનીઓ ગ્રાહ્ય રાખી ઈમ્તીયાઝ અલારખભાઈ ડૈરૈયા (ઉં.વ.૩૧, રે. તળાવ વિસ્તાર, પાલીતાણા)ને કસુરવાન ઠરાવી સખ્ત આજીવન કારાવાસની સજા ફટકારી હતી, અને રૂપિયા ૧૦ હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો. દંડ ન ભરે તો બીજા વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો, જ્યારે આરોપીના માતા જૈનમબેન અને બહેન અફસાનાબેનને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.