દિલ્હી-

નેતૃત્વના શૂન્યાવકાશનો સામનો કરતી કોંગ્રેસ ફરી એકવાર પક્ષનું સુકાન રાહુલ ગાંધીને સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીમાં રાજસ્થાનના નીમરાના અથવા જેસલમેરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઈ શકે છે. આ દરમિયાન રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ શકે છે. 16 ડિસેમ્બર, 2017થી 10 ઓગસ્ટ2019 સુધી રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા. લોકસભા ચૂંટણીમાં પક્ષની હાર બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. એ વખતે પક્ષના વરિષ્ઠ નેતાઓની સમજાવટ પછીયે તેમણે કોંગ્રેસ અધ્યક્ષનો હોદ્દો સંભાળવાનો ઈનકાર કરી દીધો હતો. બે મહિના પહેલા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના કામકાજ અંગે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા હતા.

આશરે બે મહિના અગાઉ ગુલામ નબી આઝાદે પક્ષના કામકાજ અંગે કેટલાક પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ફાઈવ સ્ટાર કલ્ચરથી ચૂંટણી જીતી શકાતી નથી. આજે નેતાઓ સાથે મોટી મુશ્કેલી એ છે કે જેમને ટિકિટ મળી જાય છે તેઓ સૌથી પહેલા ફાઈવ સ્ટાર હોટેલ બુક કરાવે છે. જાે માર્ગ ખરાબ છે તો તે તેની ઉપર જશે નહીં. આઝાદે કહ્યું હતું કે જ્યાં સુધી આ કલ્ચર છોડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ચૂંટણી જીતી શકાશે નહીં.

છેલ્લા 72 વર્ષમાં કોંગ્રેસ તેના સૌથી નીચા સ્તર પર આવી ગઈ છે. કોંગ્રેસ પાસે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ નથી. કેટલાક મહિના અગાઉ પક્ષના 23 નેતાઓએ આ મુદ્દે સોનિયા ગાંધીને એક પત્ર પણ લખ્યો હતો. તેમા કપિલ સિબ્બલ ઉપરાંત ગુલામ નબી આઝાદનો પણ સમાવેશ થતો હતો. આ પત્રમાં પક્ષમાં સર્વોચ્ચ સ્તરેથી નીચા સ્તર સુધી વ્યાપર પરિવર્તન કરવાની માંગ કરવામાં આવી હતી