દિલ્હી-

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશમાં તમામ નાગરિકો માટે મફત કોરોના રસીની માંગ કરી છે તેમજ તેની વાતને ભારપૂર્વક રજૂ કરવા ટ્વીટ કરીને 'ફ્રી' શબ્દનો ડિક્શનરી શબ્દાર્થ પણ જણાવ્યો હતો. રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ છેલ્લા થોડા સમયથી દેશમાં તમામ લોકોને કોરોનાની રસી મફતમાં આપવા કેન્દ્ર સમક્ષ માગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કેન્દ્રની રસીકરણ નીતિને ભેદભાવભરી ગણાવી હતી. રાહુલ ગાંધીએ ગુરુવારે વધુ એક વખત ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને તમામ નાગરિકોને મફત રસી આપવા જણાવ્યું હતું.


રાહુલ ગાંધીએ ટ્વીટમાં 'ફ્રી' શબ્દનો ડિક્શનરી અર્થ સમજાવ્યો હતો અને તેની સાથે બે ઉદાહરણ પણ ટાંક્યા હતા. તેમણે લખ્યું હતુ કે, ભારતને મફતમાં કોરોના વેક્સિન મળે. તમામ નાગરિકોનું રસીકરણ મફતમાં થવું જોઈએ. આશા છે કે આ વખતે તેઓ વાતને સમજી શકશે. આ સાથે રાહુલ ગાંધીએ હેશટેગ વેક્સિનનો પણ ઉપયોગ કર્યો હતો.બીજીતરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે  પણ ઓન-સ્પોટ રજીસ્ટ્રેશનનો વિકલ્પ આપવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઓનલાઈન નોંધણીથી સંખ્યાબંધ લોકોની વેક્સિનમાં બાદબાકી થઈ શકે છે.