વડોદરા, તા.૨૯ 

શહેર-જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસથી આંશિક વાદળિયા માહોલ વચ્ચે ઉકળાટથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. આજે પણ દિવસ દરમિયાન ઉકળાટ રહ્યા બાદ સમી સાંજે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં થતાં લોકોએ ક્ષણિક રાહત અનુભવી હતી. જા કે, ગણતરીનો સમય વરસ્યા બાદ વરસાદે વિરામ પાળ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ મધ્ય ગુજરાતમાં વાદળાં ઘેરાયાં છે પણ વરસાદ વરસતો નથી. છેલ્લાં કેટલાંક દિવસથી અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા હતા. આજે પણ સવારથી ઉકળાટના કારણે લોકો પરેશાન રહ્યા હતા. ત્યાં સમી સાંજે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદનાં ઝાપટાં થતાં મેઘરાજા જમાવટ કરે તેવી શક્યતા જણાતી હતી પરંતુ ઝાપટું થયા બાદ વરસાદ રોકાઈ ગયો હતો.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે મહત્તમ તાપમાન ૩૭.૮ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા જે સાંજે પ૭ ટકા અને હવાનું દબાણ ૯૯૮.પ મિલિબાર્સ તેમજ દક્ષિણ અને પશ્ચિમ તરફના પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૮ કિ.મી. નોંધાઈ હતી.