અમદાવાદ-

બંગાળની ખાડીમાં ૩ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ યથાવત રહેતા હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. રાજ્યના ૨૪ તાલુકામાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ૩૭ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ, ૫૬ તાલુકામાં ૨ ઇંચ કરતા વધારે વરસાદ અને રાજ્યના ૧૦૪ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની શક્્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત તથા નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. સુરત, દ્વારકા, ગીર સોમનાથ, બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. હાલમાં એનડીઆરએફની ૧૩ ટીમો કામો કરી રહી છે. ભારે વરસાદને પગલે ૩૫ નદીઓ ઓવરફ્લો થઈ છે. વરસાદના આંકડા પર એક નજર કરીએ તો ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં હાલ ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી છે. હાલ ગુજરાતમાં એક પણ એવી જગ્યા નથી કે જ્યાં વરસાદ ન પડ્યો હોય. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૪ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. પરંતુ હાલ ગુજરાતની સ્થિતિ એવી છે કે, ગુજરાતમાં સર્વત્ર પાણી પાણી છે. નદી, નાળા પાણીથી છલકાયા છે.

તો રોડ-રસ્તા અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે. રાજ્યમાં આજે મંગળવારે સવારથી આઠ વાગ્યા સુધીમાં ૬૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૧.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ૧ ઇંચ વરસાદ ખાબક્્યો છે. રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં સામાન્ય ૨૬ સેન્ટિમીટરનો વધારો થયો છે. આજે ડેમની જળસપાટી ૧૨૧.૩૦ મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને ૧૭૭૫૬ ક્્યુસેક થઈ છે. હજી પણ ૧૨૦૦ મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે.