ગાંધીનગર, ગુજરાતનાં નવા મંત્રીમંડળના બે સભ્યોને સરકારના પ્રવકતા મંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. આ બંને મંત્રીઓ સરકારના ર્નિણયો અંગે મીડિયા સાથે સંકલન કરીને સરકારની વાત રજૂ કરશે. રાજયની વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારના રાજીનામાં લઈ લીધા બાદ ભાજપ દ્વારા પ્રથમ વખત ચૂંટાયેલા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની ગુરુવારે શપથવિધિ યોજાઇ હતી. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના સભ્યોને તેમની ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. જે પૈકીનાં મોટાભાગના સભ્યોએ આજે પોતાની ચેમ્બરમાં પ્રવેશ કરીને વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો. દરમિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારના પ્રવકતા મંત્રી તરીકે બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.  સરકારના પ્રવકતા મંત્રી તરીકે મહેસૂલ તેમજ કાયદો અને ન્યાય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા માર્ગ-મકાન અને વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને મંત્રીઓ મીડિયા સાથે સંકલનની કામગીરી કરશે.