રાજકોટ-

રાજકોટની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામમાં ચેકડેમમાં ડૂબી જવાને કારણે ત્રણ જેટલી યુવતીના મૃત્યુ થયા છે. જોકે આ યુવતીઓ કેવી રીતે ચેકડેમમાં ડૂબી હતી તે જાણવા મળ્યું નથી પરંતુ કુલ 5 લોકો ડેમમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાંથી ત્રણ જેટલી યુવતીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ડૂબી ગઈ હતી. જ્યારે આ ત્રણેય મૃતક યુવતીની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ભાગોળે શાપર વેરાવળની નજીક આવેલ ઢોલરા-કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમા યુવતીઓ ન્હાવા માટે ગઈ હતી. જે દરમિયાન 18 વર્ષીય કોમલબેન ચનાભાઈ દેવીપૂજક, 24 વર્ષીય સોનલબેન કાળુભાઈ અને 35 વર્ષીય મિઢુરબેન નામની યુવતીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમનું ઊંડા પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. જોકે આ યુવતીઓ ઊંડા પાણીમાં કેવી રીતે ગરક થઈ તે બહાર આવ્યું નથી. યુવતીઓ ચેકડેમમાં ડૂબી રહી હોવાની ઘટના સામે આવતા 108 અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટનામાં બે યુવતીઓને બચાવી લેવામાં આવી હતી. ત્રણ યુવતીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ નાના એવા ગામમાં ત્રણ ત્રણ યુવતીઓના મૃત્યું થતાં અરેરાટી મચી જવા પામી છે.