રાજકોટ: ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના 90 બુથમાંથી 32 બુથ સંવેદનશીલ
19, ફેબ્રુઆરી 2021

રાજકોટ-

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના ૧૧ વોર્ડ અને ૪૪ બેઠક માટે ચૂંટણી આયોગ દ્વારા ૯૦ મતદાન મથક પૈકી ૩૨ બુથ ને સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. તમામ બૂથ ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. ગોંડલ નગરપાલિકામાં ૪૬૩૫૪ પુરુષ, ૪૩,૨૫૭ સ્ત્રી અને ૭ અન્ય મતદારો મળી કુલ ૮૯૬૧૮ મતદારોની સંખ્યા થવા પામી છે વોર્ડ નંબર ત્રણમાં ૧૦૧૩૨ સૌથી વધુ જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર નવ માં ૫૯૭૦ નોંધાયા છે.

ગત નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ વિજેતા ઉમેદવારના વિજયી સરઘસ દરમિયાન હારી ગયેલા ઉમેદવાર દ્વારા મારામારી કરવામાં આવી હોય પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોય જેને ધ્યાને લઇ ભગવતપરા, શિશુવિહાર, ખોજા કબ્રસ્તાન, સરગમ પાર્ક, નાગનાથ આંગણવાડી, પશુ દવાખાના, માંધાતા પાર્ટી પ્લોટ, તાલુકા શાળા નંબર છ, નાની મોટી બજારમાં આવેલી વચલી શેરી, હવેલી શેરી સરવૈયા શેરી, સંઘાણી શેરી, ગુલમહોર રોડ, ખટારા સ્ટેન્ડ, ઘણચોક, તાલુકા શાળા નંબર ૧૬, જયશ્રીનગર તેમજ વિજયનગરની આંગણવાડી સહિત ટોટલ ૩૨ બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે. નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ ૯૦ બુથ ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રાખવામાં આવનાર છે. જરૂર પડ્યે સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ બુથ ઉપર પોલીસ જવાનો વધારી દેવામાં પણ આવનાર છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution