રાજકોટ-

રાજકોટમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ રાજકોટમાં ઉચ્ચ અભ્યાસ કરાયેલા 3 ભાઇ-બહેન 10 વર્ષથી એક જ રૂમમાં બંધ હતા. જેમને રાજકોટના એક સાથી સેવાભાવિ ગ્રુપ દ્વારા બારણુ તોડીને બહાર કઢાયા હતા. ત્યારે શહેરમાં ફરી એક વખત સાથી સેવા નામની સંસ્થાએ ઘરના રુમમાં છેલ્લા 6 મહિનાથી કેદ એક યુવતીને છોડાવી હતી.

શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ ઘરમાં પુરાયેલી યુવતીને સાથી સેવા ગ્રુપે રેસ્ક્યૂ કરી છોડાવીને સારવાર માટે ખસેડી હતી. જોકે આ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 6 મહિનાથી એક રુમમાં બંધ 25 વર્ષીય અલ્પા સેંજપાલ નામની યુવતી સીએનો અબ્યાસ કરતી હતી. છેલ્લા એક સપ્તાહથી તેણે કંઈ ખાધુ-પીધુ ન હોવાથી તે કોમામાં સરી પડી હતી. જે અંગેની જાણ થતાં સાથી સેવા ગ્રુપે અલ્પાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. ત્યારે યુવતીની આ હાલત પાછળ તેના માતા-પિતા અને પરિવાર જવાબદાર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. યુવતી જે હાલતમાં મળી આવી હતી તે રુમમાં આજુબાજુમાં યુરીન ભરેલી કોથળીઓ અને ટબ મળી આવ્યા હોવાથી અંધશ્રદ્ધાની શંકા પણ સેવાઈ રહી છે. હાલ આ મામલે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ પોતે ફરિયાદી બનવા તૈયાર હોવાનુ જણાવ્યુ હતું અને તેઓ જરુર પડે તો યુવતિના માતા-પિતા સામે પોલીસ ફરિયાદ પણ કરવા તૈયાર હોવાની વાત કરી હતી.