રાજકોટ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થતાની સાથે જ સત્તાપક્ષ અને વિપક્ષમાં નવી નીતિની અમલવારીના કારણે કકડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ કોંગ્રેસમાં છેલ્લે સુધી ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે.રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પાયાના કાર્યકર સમાન દિનેશભાઈ ચોવટિયાએ કોંગ્રેસના સામાન્ય સભ્ય પદથી માંડી તમામ હોદાઓ પરથી રાજીનામુ આપી દેતાં કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ રાજકીય વર્તુળોમાં તેમના રાજીનામાની ચર્ચાએ ભારે ઊહાપોહ મચાવી દીધો છે.

આ બાબતે દિનેશભાઈ ચોવટિયાએ ખુદ મીડિયાને જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કોંગ્રેસે લાયકાતના ધોરણે કરવાના બદલે અનેક ઉમેદવારોને ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું છે. લોકસભા અને ધારાસભાની દ્રસ્ટીએ પ્રમાણમાં નાની ચૂંટણી હોવા છતાં પ્રચાર કામમાં સિનિયર નેતાઓની અવગણના થઈ રહી છે. લાગવગના આધારે પદ અને ટિકિટ મળતી હોય તેવા પક્ષમાં રહેવાનો કોઈ મતલબ નથી અને તેથી મે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મારું રાજીનામું મોકલી આપ્યું છે.