રાજકોટ, રાજ્યમાં ખેડૂતોને મીટર અને હોર્સપાવર આધારિત એમ બે રીતે વીજ પુરવઠો આપવામાં આવે છે. જાેકે, તેમાં બન્નેના વીજદરમાં મોટો તફાવત હોવાથી મીટર આધારિત વીજ પુરવઠો મેળવતા ખેડૂતોને નુકસાની જાય છે. ત્યારે હવે મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સપાવર આધારિત ભાવથી જ વીજ પુરવઠો આપી સમાનતા લાવવા સહિતનાં પ્રશ્ને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ રજુઆત કરવામાં આવી હતી.આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘનાં આગેવાનો અને કાર્યકરો ‘જબ તક દુઃખી કિસાન રહેગા, ધરતી પર તુફાન રહેગા’ અને ‘હમ હમારા હક્ક માંગ રહે હૈ’ સહિતનાં વિવિધ બેનરો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કિસાન નેતા દિલીપ સખીયાની આગેવાનીમાં સમાન વીજદર સહિત વિવિધ મુદ્દે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. બાદમાં આ તમામ મુદ્દા સાથેનું આવેદન પાઠવી કલેક્ટર મારફત સરકારને રજુઆત કરવામાં આવી છે. આ અંગે કિસાન અગ્રણી દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજકોટમાં પણ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય વિષય સમાન વીજદર છે. હાલ મીટર આધારિત વીજ પુરવઠો લેતા ખેડૂતોને વધુ ચાર્જ ચૂકવવો પડી રહ્યો છે. ત્યારે તેમની પાસેથી પણ હોર્સપાવર આધારીતની માફક ચાર્જ લેવાય તેવી અમારી માગ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સિવાયનાં વિવિધ મુદ્દા જેમ કે, ફિક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવી અને બોરવેલ પર જાે વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહે ઉપરાંત કિશાન સૂર્યોદય યોજનાનો સમગ્ર ગુજરાતમાં અમલ શરૂ કરવો વગેરે સામેલ કરવામાં આવ્યા છે.