રાજકોટ-

કોરોના વાઇરસ મુખ્યત્વે શ્વસનતંત્રને અસર કરે છે. સંક્રમિતોમાં ઓકસિજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાઇરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે નિષ્ણાંત તબીબો દ્વારા અનેક પ્રયોગ સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેના સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તેવા જ પ્રયોગના ભાગરૂપે શરૂ કરાયેલી પ્રોનિંગ થેરાપીથી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ રાહત મળવી રહ્યા છે. તો સાથે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી સમુહમાં એક સાથે પ્રોન થેરાપીથી સારવાર આપવામાં આવી રહી છે.

પીડીયુ હોસ્પિટલમાં મેડીસીન વિભાગમાં બે દાયકાથી સેવા આપી રહેલા એસોસિએટ પ્રોફેસર આરતી ત્રિવેદી પ્રોન થેરાપી અંગે માહિતી આપતા કહે છે કે, કોવિડ-19ના દર્દીઓની અડધો કલાક એક પડખે....અડધો કલાક બીજા પડખે.... અને ઉંધા સુવડાવવાની, આ નાની એવી એક્સરસાઈઝ અને માત્ર પોઝિસન ચેન્જ કરવાથી ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓના ઓક્સિજન લેવાના સ્તરમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં દર્દીઓનો ઘસારો વધાવાથી હવે, માસ પ્રોનિંગ એટલે કે દર્દીઓને એક સાથે સૂચના આપીને સારવાર આપવામાં આવી રહી છે. આ એક નવો પ્રયોગ છે જેના સારા પરિણામ પ્રાપ્ત થઇ રહ્યા છે.