રાજકોટ-

રાજકોટ શહેર પોલીસે ચાર જુદી જુદી જગ્યાએ જુગારધામ ઝડપી પાડ્યાં છે. જે અંતર્ગત 4 મહિલા સહિત 32 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ટોકનથી ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત 15 જેટલા લોકોની ધરપકડ કરી 1 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ જગ્યાએ કરેલી કાર્યવાહીમાં પિતા-પુત્ર અને એક 60 વર્ષના વૃદ્ધાની જુગાર રમાડવા બદલ ધરપકડ કરી છે. પિતા-પુત્રએ કેટરિંગના ધંધામાં મંદી આવતા જુગાર ક્લબ શરૂ કરી હોવાનૂ કબૂલાત કરી હતી.

આ સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે, અમારી ટીમને બાતમી મળી હતી કે યુનિવર્સિટી રોડ પર આવેલા રવીરત્ના પાર્ક શેરી નંબર-1માં રિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળે કૈલાશભાઈ હસમુખભાઈ બુધ્ધદેવ નામના 60 વર્ષીય વ્યક્તિ તેમજ તેમનો પુત્ર આકાશ કૈલાશભાઈ બુદ્ધદેવ ટોકન આધારિત જુગાર ક્લબ ચલાવી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા જુગારધામ ચલાવતા પિતા-પુત્ર સહિત કુલ 15 જેટલા લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં જુગારધામ ચલાવતા પિતા-પુત્રે કેટરિંગના ધંધામાં મંદી હોવાના કારણે છેલ્લા દોઢ મહિનાથી જુગાર ક્લબ ચલાવતા હોવાનું જણાવ્યું છે.