રાજકોટ,રાજકોટના શખ્સે સોશિયલ મીડિયામાં ઓનલાઇન એક શીખ યુવાન સાથે તકરાર કરી શીખ સમાજના ધર્મગુરૂ વિશે અભદ્ર ટીપ્‍પણી કરતાં શીખોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. તેમજ મોડીરાત્રે હતી મોટી સંખ્યામાં હાજર શીખોએ બોલે સો નિહાલ...ના નારા લગાવ્યા હતા. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચે આ શખ્સને અમરેલી નજીક મહુવા ચોકડી પાસેથી દબોચી લીધો હતો. બે દિવસ અગાઉ રાતે સોશિયલ મીડિયા પર તકરાર દરમિયાન રાજકોટના એક યુવાને પંજાબના યુવાન સાથે ચડભડ કરી હતી. વાત વણસી જતા રાજકોટના યુવાને બેફામ ગાળાગાળી શરૂ કરી હતી અને એ દરમિયાન શીખ સમાજના ધર્મગુરૂ વિશે પણ અભદ્ર ભાષા વાપરી હતી. આ વીડિયો વાઇરલ થતાં રાજકોટના શીખ સમાજમાં રોષ ફેલાઇ ગયો હતો. તેમજ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્‍યું કે, સોશિયલ મીડિયા પર અમારી ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડતાં વીડિયોમાં અભદ્ર ભાષા બોલનારા શખસ સામે તાકીદે કાર્યવાહી કરવી. દરમિયાન આ મામલે ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તુરંત તપાસ કરવા સુચના આપતા ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી ગઇ હતી. વીડિયોમાં વાતચીત કરતો શખસ લક્ષ્મીવાડી શિવકૃષ્‍ણ સોસાયટીમાં રહેતો અને ટ્રાવેલ્‍સના ધંધા સાથે સંકળાયેલો સંજયસિંહ ઉર્ફે મોન્‍ટુ ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસ તેને પકડવા પહોંચી હતી પરંતુ તે ઘરે મળ્‍યો નહોતો.