રાજકોટ- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના યુવા ક્રિકેટર અવી બારોટનુ હાર્ટએટેકના કારણે નિધન 
16, ઓક્ટોબર 2021

રાજકોટ-

ભારતના યુવા ક્રિકેટર 29 વર્ષીય અવી બારોટનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અવી બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા. ભૂતપૂર્વ ભારતીય અંડર -19 કેપ્ટન અવી બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો એક ભાગ હતો જેણે 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને માહિતી આપી કે હરિયાણા અને ગુજરાત માટે પણ ક્રિકેટ રમનાર અવી બારોટનું નિધન થયું છે. શુક્રવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને અવિ બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અવી બારોટ વિકેટકીપર અને જમણા હાથના બેટ્સમેન હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક ટી -20 માં 717 રન બનાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રએ 2019-20 સિઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ત્યારે અવી બારોટ તેનો એક ભાગ હતો. સૌરાષ્ટ્ર માટે, તેમણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી.

53 બોલમાં 122 રન, T20 માં એકમાત્ર સદી

અવી બારોટ વર્ષ 2011 માં ભારતની અંડર -19 ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેણે સ્થાનિક ટી 20 માં માત્ર એક સદી ફટકારી હતી, જે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફટકારી હતી. તેમણે ગોવા સામેની મેચમાં માત્ર 53 બોલમાં 122 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution