રાજકોટ-

કુવાડવા જીઆઈડીસી પાસે આવેલી બોમ્બે સુપર સીડ નામની બિયારણ ફેકટરીમાં રાત્રીના ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી. ફેકટરીમાં અન્ય કોઈ માલમતા ન મળતા ઓફીસમાંથી રિવોલ્વર તથા છ જીવતા કાર્ટીસ અને તલવારની ચોરી કરી ગયા હતા. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડી ગઈ હતી. પોલીસે અહીં સીસીટીવી ફુટેજ ચેક કરતા છ જેટલા શખ્સો ફેકટરીમાં ઘુસી ચોરીના બનાવને અંજામ આપતા નજરે પડયા હતા. પોલીસે આ ફુટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ કુવાડવા જીઆઈડીસી પાસે આવેલી બોમ્બે સુપર સીડ નામની બિયારણની કંપનીમાં રાત્રીના ચડ્ડી બનીયાધારી ટોળકી ત્રાટકી હતી. તેણે અહીં અલગ-અલગ યુનીટમાં ખાખાખોળા કર્યા હતા. પરંતુ કઈ હાથ ન લાગતા ફેકટરીની સીકયુરીટી ઓફીસમાંથી રૂા.90000ની કિંમતની રિવોલ્વર, છ જીવતા કાર્ટીસ તેમજ તલવારની ચોરી કરી નાસી ગયા હતા. 

બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના પીઆઈ એમ.સી.વાળા, રાઈટર દિનેશભાઈ ગઢવી તેમજ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ.વી.સાખા તથા પી.એમ.ધાખડા સહીતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં આ ફેકટરીના માલીક અરવિંદભાઈ ઉર્ફે પીન્ટુ જાદવ કાકડીયા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પણ ચોરીની ઘટનાની જાણ થતા ફેકટરીએ દોડી ગયા હતા. 

પોલીસે ફેકટરીના સીસીટીવી ફૂટેજ ચકાસતા છ જેટલા ચડ્ડી બનીયાનધારી શખ્સો રાત્રીના ફેકટરીમાં ઘુસી ખાખાખોળા કરતા નજરે પડયા હતા. પોલીસે આ ફુટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તેમજ રિવોલ્વર કબ્જે કરવા તપાસ શરૂ કરી છે.